હિંમત રૂડાણી હત્યા કેસનો મુખ્ય આરોપી મનસુખ લાખાણી ઝડપાયો, તપાસમાં થયો ઘટસ્ફોટ

અમદાવાદઃ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઇન્ડિયા કોલોનીમાં આવેલી કૈલાસ ધામ સોસાયટીમાં રહેતા પાટીદાર અગ્રણી અને જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરાયેલી લાશે તેમની જ કારની ડીકીમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં તેમણે સોપારી લીધી હોવાની કબૂલાત કરી હતી. તેમજ સોપારી મુખ્ય આરોપી અને જાણીતા બિલ્ડર મનસુખ લાખાણીએ કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે આજે મનસુખ લાખાણી ઉર્ફે મનુ જેકીની ધરપકડ કરી હતી.
કયા કારણે કરવામાં આવી હત્યા
મળતી વિગત પ્રમાણે, મૃતક બિલ્ડર હિંમત રૂડાણી અને બિલ્ડર મનસુખ લાખાણી વચ્ચે જૂના ધંધાકીય સંબંધોને લઈ વિવાદ ચાલતો હતો. આ વિવાદના કારણે મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા કરાવવાનું કાવતરું રચ્યું હતું. બંને બિલ્ડરોમાં નિકોલમાં એક કિંમતી પ્લોટને લઈ માથાકૂટ ચાલતી હતી. અંગે પોલીસ કેસ પણ થયો હતો. હિંમત રૂડાણીના પુત્રએ મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી સામે દોઢ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
એક વર્ષ પહેલા હાથપગ તોડવા 50 હજાર રૂપિયા આપ્યા હતા
આ ઉપરાંત મનસુખે એક વર્ષ અગાઉ હત્યા કરનાર આરોપીને હાથપગ તોડવા માટે 50 હજાર રૂપિયા આપ્યા હતા, પરંતુ આરોપીએ હાથપગ તોડ્યા નહોતા, જેથી મનસુખે બીજીવાર કહ્યું હતું કે તને પૈસા આપ્યા છતાં તે કામ કર્યું નથી. જ્યારે બીજી વખત સોપારી આપી ત્યારે 1 કરોડ રોકડા અને મકાન આપવાનું જણાવ્યું હતું. આરોપીએ હત્યા કરીને મનસુખને લાશના ફોટો મોકલ્યા હતા, જોકે મનસુખના ફોનમાંથી ચેટ મળી નથી, જ્યારે આરોપીના ફોનમાંથી ચેટ મળી છે. ફોન પણ ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવશે. મનસુખે જૂની અદાવતમાં હત્યા કરાવી હતી, જે અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. 2020થી વિવાદ શરૂ થયો હતો, જેમાં ઘણીવાર સમાધાન થયા બાદ મામલો શાંત પડ્યો નહોતો.
આ પણ વાંચો…બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનો ભેદ ઉકેલાયો! કોણે આપી હતી સોપારી? આરોપીઓએ જણાવી હકીકત…