અમદાવાદનો આ વિસ્તાર જાણે ટીબીનું ઘર! સૌથી વધુ 1229 કેસ
અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, કેન્દ્ર સરકારની સજાગતા અને દર્દીઓને યોગ્ય સારવાર સહાય આપવાના પરિણામે નાગરિકોના મનમાંથી ટીબીનો ડર ઓછો થયો છે તેમજ કેસ અને મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે હજું પણ આ મહામારી અમદાવાદ જેવા શહેરમાં મોટી ચિંતાનો વિષય બની છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટીબી રોજ સરેરાશ 15થી 16 દર્દીના લે છે જીવ
બહેરામપુરામાં ટીબીના સૌથી વધુ કેસ
સ્માર્ટ સિટી અમદાવાદમાં ક્ષય રોગના કેસમાં સામાન્ય નિયંત્રણ જોવા મળ્યું છે પરંતુ શ્રમજીવી વસાહતો અને ચાલી કે ઝુંપડપટ્ટી જ્યાં આવેલા છે તેવા વિસ્તારોમાં ટીબીના કેસની સંખ્યા ઘણી વધારે છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા છે.
વર્ષ 2024માં નોંધાયા 1229 કેસ
વર્ષ 2024માં જોવામાં આવે તો બહેરામપુરામાં 1229 અને રખિયાલમાં 1044 કેસ નોંધાયા હતાં. શહેરમાં 16 થી 30 વર્ષની વય જૂથમાં 5800 કરતા પણ વધારે ટીબીના દર્દી કન્ફર્મ થયા હતા. અમદાવાદમાં 2019માં ટીબીના 20157 કેસ નોંધાયા હતાં જેની સામે 2024માં 15360 કેસ નોંધાયા છે.
1 થી 15 વર્ષમાં સૌથી વધુ 124 કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ વય જુથ મુજબ પણ બહેરામપુરામાં 1 થી 15 વર્ષમાં સૌથી વધુ 124 કેસ, 16 થી 30 માં 577 કેસ, 31 થી 45 માં 301, અને 46 થી 60ની વય જુથમાં 150 કેસ ટીબીના કન્ફર્મ થયા છે. વેજલપુરમાં પણ 46 થી 60ની વય જુથમાં ટીબીના 192 કેસ નોંધાયા છે. જે બાબત ચિંતાજનક માનવામાં આવે છે. 2019ના વર્ષમાં અમરાઈવાડી વિસ્તારમાં ટીબીના 1067, અસારવા-1867, રખિયાલ-1126 કેસ નોંધાયા હતાં. જયારે બહેરામપુરામાં 966 કેસ કન્ફર્મ થયા હતાં.