મિત્રને ઝેરી દાબેલી ખવડાવી મારી નાખવાના 14 વર્ષ જૂના કેસમાં હાઈકોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવ્યો!

અમદાવાદઃ મિત્રને ઝેરી દાબેલી ખવડાવીને તેની હત્યા કરવાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી કમલ કિશોર યાદવને ગુજરાત હાઈકોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો. હાઈકોર્ટે આ કેસમાં અવલોકન કર્યું હતું કે સરકારી પક્ષ આરોપી સામેનો ગુનો શંકાથી પર રહીને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેના કારણે સેશન્સ કોર્ટના સજાના હુકમને રદ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, આરોપી કમલ યાદવની બહેન સાથે અફેર રાખનાર વ્યક્તિની હત્યા કરવા માટે તેણે તેના મિત્રો મંગલસિંહ પ્રજાપતિ, મનીષ રાઠોડ અને પંકજ ઉપાધ્યાયની મદદ માંગી હતી. મિત્રોએ ઇનકાર કરતા કમલ ગુસ્સે ભરાયો હતો. ત્યારબાદ, 22 જાન્યુઆરી 2012ના રોજ પોતાની બાકી રહેલી બર્થડે પાર્ટીના બહાને તેણે આ ત્રણેય મિત્રોને આમંત્રણ આપ્યું હતું પાર્ટીમાં કમલ દારૂ અને ઝેર ભેળવેલી ત્રણ દાબેલી લાવ્યો હતો. આ દાબેલી ખાધા બાદ ત્રણેય મિત્રોને ઉલટીઓ થવા લાગતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં મંગલસિંહ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીના વકીલ પી.પી. મજમુદારે દલીલ કરી હતી કે તપાસ અધિકારી આ ઝેર ક્યાંથી ખરીદવામાં આવ્યું હતું તે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. જોકે પોલીસ ઉત્તર પ્રદેશના એક આયુર્વેદિક સ્ટોર સુધી પહોંચી હતી અને તેના માલિકનું નિવેદન પણ લીધું હતું, પરંતુ આ મહત્વના પુરાવાને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. અદાલતે આને એક ગંભીર ખામી ગણાવી હતી અને નોંધ્યું હતું કે સેશન્સ જજ હત્યા પાછળનો હેતુ સાબિત થયો છે કે નહીં તે ધ્યાને લેવામાં નિષ્ફળ રહ્યા છે.
જસ્ટિસ આઈ.જે. વોરા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની ખંડપીઠે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, અન્ય કોઈ નક્કર પુરાવાના અભાવે એવી શક્યતાને નકારી શકાય નહીં કે પીડિતોએ પોતે જ દારૂમાં કંઈક એવું મિશ્રણ કર્યું હોય જે જીવલેણ સાબિત થયું હોય. પુરાવાઓની કડીઓ અધૂરી હોવાથી અને પ્રોસિક્યુશન પોતાનો કેસ મજબૂત રીતે રજૂ ન કરી શકતા, કોર્ટે આરોપીની આજીવન કેદની સજા રદ કરી તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.



