દિલ્હી બ્લાસ્ટ બાદ હાઇ એલર્ટ: અમદાવાદમાં ગેરેજ, વર્કશોપ, અને કાર વૉશિંગ સેન્ટરોએ આ નિયમોનું કરવું પડશે પાલન, નહીંતર….

અમદાવાદઃ દિલ્હીમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રથમવાર જ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રિપેરિંગ માટે આવતા તમામ વાહન અને માલિકની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે.
આ નોટિફિકેશન પ્રમાણે, તમામ ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશન અને વાહન-વૉશિંગ સેન્ટરોને તેમના પરિસરમાં પ્રવેશતા દરેક વાહનના વિગતવાર રેકોર્ડ અને CCTV કેમેરા ફરજિયાત લગાવવા પડશે. નોટિફિકેશન મુજબ, મોટાભાગના ગેરેજ હાલમાં વાહનોનો કોઈ રેકોર્ડ રાખતા નથી. આ મોટી ભૂલને કારણે ગુનેગારો ગંભીર ગુનાઓમાં વપરાયેલા વાહનોનો દેખાવ, રંગ અથવા રજિસ્ટ્રેશન પ્લેટ બદલી શકે છે અને તેમનો કોઈ પુરાવો રહેતો નથી.
આ ઉપરાંત મોડીફિકેશન માટે આવતા તમામ વાહનોનું અને જે તે વાહન માલિકનું વિગતો સાથેનું રજિસ્ટર્ડ મેન્ટેન રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જેથી કરીને ચોરી કરાયેલા વાહનોનું મોડીફિકેશન કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે તો પોલીસને રજિસ્ટર્ડના આધારે આરોપીઓને પકડી શકે. તેમજ પોલીસ જ્યારે તપાસ માટે આવે ત્યારે મેન્ટેન કરેલું રજિસ્ટર્ડ બતાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
આ નવો નિર્દેશ 16 જાન્યુઆરી, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, દરેક ગેરેજને યોગ્ય લોગબુક જાળવવાની સાથે-સાથે વૉશિંગ બેઝ સહિત તમામ પ્રવેશ અને બહાર નીકળવાના પોઇન્ટ્સ પર CCTV કેમેરા લગાવવા પડશે. પોલીસ કમિશનર મલિકે જણાવ્યું કે વર્કશોપ માલિકોએ વાહનનો પ્રકાર, રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેસિસ નંબર, માલિકનો મોબાઇલ નંબર, સરનામાનો પુરાવો અને ઓળખના પુરાવા (ID Proof) રેકોર્ડ કરવા જરૂરી છે. વાહનના એન્ટ્રી અને એક્ઝિટ સમયની નોંધણી પણ કરવી પડશે.
કમિશનર મલિકે કહ્યું કે, ગેરેજ માલિકો અને મેનેજરોએ તેમના પરિસરમાં વાહન લાવનાર કોઈપણ વ્યક્તિનો રેકોર્ડ, જેમાં ઓળખના પુરાવા શામેલ હોય, તે પણ રાખવો પડશે. જે લોકો આ નિયમનું પાલન નહીં કરે, તેમની સામે પગલાં લેવામાં આવશે. હેડ કોન્સ્ટેબલ અથવા તેનાથી ઉપરના રેન્કનો કોઈપણ પોલીસ અધિકારી આ કેસ દાખલ કરી શકશે.
છટકબારી બંધ કરવા હેતુ
મલિકે સમજાવ્યું કે ગુનેગારો ઘણીવાર તપાસકર્તાઓને ભ્રમિત કરવા માટે વાહનોને ફરીથી રંગાવે છે, તેમાં ફેરફાર કરાવે છે અથવા નકલી નંબર પ્લેટ લગાવે છે. તેમણે કહ્યું, જો ગેરેજ માલિકો પાસે વાહનની મૂળ ઓળખ અને માલિકની વિગતો હોય, તો ગુનાઓને સરળતાથી શોધી શકાય છે. ગુના આચર્યા પછી ગુનેગારો કેટલીકવાર સીધા તેમના વાહનો ધોવરાવી નાંખે છે, જેથી કેટલીક વખત પુરાવા નાશ પામે છે. મલિકે કહ્યું, જ્યારે વૉશિંગ સેન્ટરો રજિસ્ટર જાળવશે, ત્યારે અમે ચોક્કસ ચોકસાઈ સાથે ગુનાઓ શોધી શકીશું. આ રજિસ્ટર પોતે જ મુખ્ય પુરાવો બની શકે છે.
આપણ વાંચો: 7 ડિસેમ્બરે તૈયાર રહેજો! ‘સૂર્યકિરણ’ ટીમ રાજકોટના આકાશમાં બતાવશે અદભૂત શૌર્ય અને કરતબો…



