અમદાવાદના મોલમાં ચેન્જિગ રૂમમાં કેમેરાઃ એક છોકરીની સતર્કતા કામ લાગી

અમદાવાદઃ શહેરના જાણીતા મૉલમાં એક ચિંતાજનક ઘટના ઘટી હતી. અમદાવાદના બહુ જાણીતા પેલેડિયમ મૉલમાં એક બ્રાન્ડેડ ક્લોથસ્ટોરના ચેન્જિગ રૂમમાં કેમેરો ગોઠવાયો હોવાની ઘટના બહાર આવી છે. એક 14 વર્ષીય છોકરીની સતર્કતાએ તેને અને અન્ય મહિલા ગ્રાહકોને બચાવ્યા છે. આ સાથે કેમેરા ગોઠવનાર સામે પોક્સો હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર છોકરી માતા-પિતા સાથે મૉલમાં ગઈ હતી અને અહીં એક બ્રાન્ડેડ સ્ટોરમાંથી તેણે અમુક કપડા પસંદ કર્યા હતા. આ કપડા ચેક કરવા માટે તે ટ્રાયલ રૂમમાં ગઈ હતી. અહીં તેણે ફ્લોર પર એક મોબાઈલ જોયો જેની પોઝિશન જોઈ તે અહીં આવતી મહિલા ગ્રાહકોને કેપ્ચર કરવા માટે રાખવામાં આવ્યો હોય તેમ જણાતું હતું. આથી છોકરીએ મોબાઈલ લઈ, દરવાજો ખોલ્યો અને ચીસો પાડી હતી.
આ ફોન ચેક કરતા જ પરિવારે પોતાની દીકરીના ચાર વીડિયો જોયા હતા, જેમાં તે કપડા બદલતી કેપ્ચર થઈ હતી. છોકરીની મમ્મી ટ્રાયલ રૂમ બહાર ઊભી હતી, તેણે મૉલના સ્ટાફને જણાવ્યું હતું અને ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
થોડા સમય બાદ અહીં રવિ પ્રજાપતિ નામનો એક 27 વર્ષીય યુવાન આવ્યો હતો અને ફોન પોતાનો હોવાનો અને ભૂલથી પડી ગયો હોવાનો દાવો કર્યો હતો. જોકે તેના દાવા ખોટા પડ્યા હતા કારણ કે તેના ફોનમાં વીડિયો જોવા મળ્યા હતા. પોલીસે પ્રજાપતિની ધરપકડ કરી હતી અને તેણે અગાઉ પણ આવા વીડિયો કેપ્ચર કર્યા છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. પોલીસે પોક્સો હેઠળ કેસ નોંધ્યો છે.
ઘટનાએ ફરી મૉલ સિક્યોરિટીનો મુદ્દો ઉજાગર કર્યો
દિવસ દરમિયાન હજારો મહિલા-યુવતીઓ-છોકરીઓ મૉલ્સમાં કે સુપરસ્ટોરમાં જઈ શૉપિંગ કરતી હોય છે અને કપડા ખરિદતા સમયે ટ્રાયલ રૂમનો ઉપયોગ કરે છે. આ ઘટનાએ ફરી ટ્રાયલ રૂમ્સ અને ટોયલેટ્સમાં મહિલાઓની સેફ્ટીનો મુદ્દો ઉજાગર કર્યો છે. આ ઘટના બાદ ગ્રાહકો પેલેડિયમ મૉલ્સ ઓથોરિટી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તો પોલીસે ખાસ અપીલ કરી છે કે મહિલાઓ પોતે સતર્ક રહે અને આવી કોઈ ઘટના સામે આવે તો પોલીસને જાણ કરે.
આપણ વાંચો: ભાજપ પ્રમુખપદની ચૂંટણી પહેલા પરિણામ, જગદીશ પંચાલ બિનહરીફ ચૂંટાશે?