
અમદાવાદ: ગુજરાતમાં તાજેતરના દિવસોમાં વાતાવરણમાં મિશ્ર સ્થિતિ જોવા મળી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છમાં હવામાન સૂકું રહ્યું હતું. શુક્રવારે દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો અને તે સામાન્ય રહ્યું હતું. જોકે, રાત્રિના તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો.
ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધુથી લઈને નોંધપાત્ર રીતે વધુ નોંધાયું હતું. પ્રદેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર અને ડીસા ખાતે જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાયું હતું. મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાન ઊંચું રહ્યું હતું, જેમાં ભુજ, નલિયા, રાજકોટ, ડીસા અને સુરેન્દ્રનગર ખાતે 37 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદ, વડોદરા તથા સુરત ખાતે 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જો કે આ દરમિયાન હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
સૌથી ગંભીર ચેતવણી સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે છે, જ્યાં અમરેલી, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ, વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં કારતકમાં જામ્યો અષાઢી માહોલ, 25 તાલુકામાં વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધી



