
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રી વરસાદી ખતરો યથાવત છે. બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર આવી છે. જેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે. આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ આગળ વધતાની સાથે તે થોડી નબળી પડી હતી. જે બાદ તે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પરથી થઈને ખંભાતના અખાત પર આવી હતી. આ સિસ્ટમ થોડી ધીમી પડી ગઈ છે, ખંભાતના અખાત પરથી આ સિસ્ટમ હવે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી પહોંચશે.
અરબી સમુદ્રમાં પહોંચતા પહેલાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. 30મી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
120 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ
રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણેસ જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 4.09 ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલાલામાં 2.17 ઇંચ, કેશોદમાં 2.13 ઇંચ, માળીયા હાટીનામાં 2.13 ઇંચ, ઉનામાં 2.01 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.50 ઇંચ, સૂત્રાપાડામાં 1.38 ઇંચ, દ્વારકામાં 1.10, ખેડબ્રહ્મામાં 1.10 ઇંચ, કોડીનારમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. 120 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.
માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 115.10 ટકા થયો છે. કચ્છમાં 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્યમાં 115.57 ટકા, સૌરાષ્ટ્રમાં 101.96 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ 98 ટકા ભરાયયેલો છે. રાજ્યના 206 જળાશયોમાં 95.30 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.
ગુજરાતમાં 150 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 114 ડેમ સો ટકા ભરાયેલા છે.
આ પણ વાંચો…ખેલૈયાઓનું તો માત્ર એક નોરતું બગડ્યું, પણ ખેડૂતોનું તો વરસાદે કર્યું પારાવાર નુકસાન