અમદાવાદટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ: ઉમરપાડામાં 3.39 ઇંચ, 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ રાજ્યના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 69 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 3.39 ઇંચ નોંધાયો હતો. ડાંગના આહવામાં 2.68 ઇંચ, અમરેલીના ખાંભા અને વલસાડના ઉમરગામમાં 2.56 ઇંચ અને પાલનપુરમાં 2.17 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યનાં 19 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સુબીરમાં 1.73 ઇંચ, કામરેજમાં 1.65 ઇંચ, વલભીપુર અને માંગરોળ (સુરત)માં 1.42 ઇંચ, મેંદરડા, સિહોર અને વઘઇમાં 1.38 ઇંચ, કેશોદ અને વંથલીમાં 1.26 ઇંચ, વિસાવદર અને કપરાડામાં 1.18 ઇંચ, હાંસોટમાં 1.14 ઇંચ અને જુનાગઢ શહેર અને તાલુકાના 1.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યનાં 15 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, માંડવી, સુરત, ખેરગામ, ડોલવણ તેમજ સૌરાષ્ટ્રના કોડીનાર, સાવર કુંડલા, રાજુલા, ઘોઘા અને માણાવદર તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ખાસ કરીને સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, અમરેલીના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ભાડ, લાસા, ઉમરીયા, નાના વિસાવદર, તાતણીયા, ધાવડિયા, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ થતા રસ્તાઓ અને ખેતરો પાણીથી બેટમાં ફેરવાયા છે.

જૂનાગઢમાં ગાજવીજ સાથે મેઘવર્ષા

જૂનાગઢ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. થોડી જ ક્ષણોમાં સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. મેંદરડા તાલુકામાં પણ હવામાનમાં અચાનક પલટો આવતા મેંદરડા-સાસણ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે કોઝવે અને માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેને લીધે વાહનવ્યવહાર તાત્કાલિક અટકી પડ્યો હતો અને ટૂંકા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

આ પણ વાંચો…ગાજવીજ સાથે વરસાદ વરસવાના વર્તારા વચ્ચે કચ્છીઓ અસહ્ય ગરમી-ઉકળાટથી ત્રસ્ત…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button