
અમદાવાદ: ગુજરાતમાં વિક્રમ સંવત ૨૦૮૨ના નવા વર્ષની શરૂઆતમાં જ હવામાનનું મિજાજ બદલાયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સીધી અસર હેઠળ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતના અમુક સ્થળોએ અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશન: ગુજરાત તરફ સંભવિત અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર બનેલું ડિપ્રેશન તા. ૨૯ના રોજ લગભગ સ્થિર રહ્યું હતું. તે મુંબઈથી ૪૧૦ કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને વેરાવળથી ૪૩૦ કિ.મી. દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. આગામી ૩૬ કલાક દરમિયાન આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ?
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના ડીસા (બનાસકાંઠા) માં ૬ સે.મી. જેટલો મહત્તમ વરસાદ નોંધાયો હતો. અન્ય મુખ્ય વરસાદી વિસ્તારોમાં ધોળકા, બાવળા, રાધનપુર, દાંતીવાડામાં ૪ સે.મી.નો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં દીવ, વઢવાણ, વિસાવદર, સૂત્રાપાડા, ભચાઉ અને તાલાળા માં ૩ સે.મી. વરસાદ નોંધાયો હતો.
તાપમાનની વાત કરીએ તો, કચ્છના ઘણા ભાગોમાં દિવસનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટ્યું હતું, જ્યારે રાત્રિનું તાપમાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું. પ્રદેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી સેલ્સિયસ દમણ ખાતે અને સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૨૦.૨ ડિગ્રી સેલ્સિયસ ડીસા ખાતે નોંધાયું હતું.
આગામી ૨૪ કલાક માટે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેવા કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ-દાદરા નગર હવેલી જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તેમજ રાજકોટ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં ૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો…વરસાદની ગેરહાજરીમાં તાપમાનમાં વધારો સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન



