
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ ફરી જમાવટ કરી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 9 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી હતી.
રાજ્યમાં સિઝનનો 95.89 ટકા વરસાદ
સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં સિઝનનો 95.89 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 101.28 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 86.51 ટકા વરસાદ પડ્યો છે. પૂર્વ મધ્યમાં 99.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 97.33 ટકા અને કચ્છમાં 88.25 ટકા વરસાદ વરસ્યો છે. સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 91.46 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 83.19 ટકા જળસંગ્રહ છે. રાજ્યના 118 ડેમ હાઇ એલર્ટ પર છે, 85 ડેમ 100 ટકાથી વધુ ભરાયેલા છે. 15 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.
સાંજે 6 વાગ્યા સુધીમાં 116 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના ધનસુરામાં સૌથી વધુ 4.37 ઇંચ, ધનસુરામાં 2.76 ઇંચ, કડાણામાં 2.68 ઇંચ, સોનગઢમાં 2.52 ઇંચ, વિસાવદરમાં 2.40 ઇંચ, સૂત્રાપાડામાં 2.09 ઇંચ, લુણાવાડામાં 2.01 ઇંચ, ઉચ્છલમાં 2.01 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં એક તાલુકામાં ચાર ઇંચથી વધારે, સાત તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 28 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો
219 રોડ રસ્તા બંધ
ખેડામાં 5, આણંદમાં 4, અરવલ્લીમાં 11, સાબરકાંઠામાં 1, વડોદરામાં 4, છોટાઉદેપુરમાં 26, ભરૂતમાં 13, નર્મદામાં 3, મહિસાગરમાં 3, પંચ મહાલમાં 1, દાહોદમાં 9, સુરતમાં 46, તાપીમાં 25, નવસારીમાં 14, વલસાડમાં 11, ડાંગમાં 4, રાજકોટમાં 1, જામનગરમાં 1, ભાવનગરમાં 2, જુનાગઢમાં 8, અમરેલીમાં 2, પોરબંદમાં 25 મળી કુલ 219 રોડ રસ્તા બંધ છે.
વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામમાં મહીસાગર નદીના પૂરના પાણી ઘૂસી જતાં 125 જેટલાં ઘરો, મંદિરો, દુકાનો અને સ્કૂલ પાણીમાં ડૂબી ગયાં છે, જ્યારે ગ્રામજનો અને પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદને પગલે વડોદરાની હેરણ નદીમાં પાણીની ભરપૂર આવક થતા અરણીયાને જોડતા કોઝવે ઉપરથી પાણી પસાર થતા ગામ સંપર્ક વિહોણું થયું હતું. હેરણ નદી બંને કાંઠે વહેતા આસગોલ અને અરનીયા ગામ થયા સંપર્ક વિહોણા હતા.
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેને લઈ ચાણોદ પાસે મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા હતી. નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું હતું. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની ભયનજક સપાટી 24 ફૂટ પર પહોંચી હતી. જેને લઈ તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા હતા. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની જોરદાર આવક થતાં 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 63 હજાર 148 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઈ ડેમની સપાટી 337.90 ફૂટ પહોંચી હતી.
વરસાદના કારણે મહીસાગર જિલ્લામાં આવેલ મહી નદી પરનો તંત્રોલી પુલ બંધ કરવામાં આવ્યો હતો. મલેકપુરથી ખાનપુરને જોડતા પુલ પર મહી નદીના પાણી ફરી વળતા પુલ બંધ થતાં લોકોને 20થી 25 કિલોમીટર ફેરો કરી જવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો…સૌરાષ્ટ્રમાં સીઝનનો ૮૬.૫૧ ટકા વરસાદ નોંધાયો: ૯૦ થી વધુ ડેમ હાઇએલર્ટ-વોર્નિંગ પર