Top Newsઅમદાવાદ

અરબી સમુદ્રના ‘ડિપ્રેશન’ની ઘાત: આજે પણ સૌરાષ્ટ્રના ૩ જિલ્લામાં અતિભારે વરસાદની આફત

અમદાવાદ: છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ અલગ-અલગ સ્થળોએ અતિભારે વરસાદ પડ્યો હતો. આ સિવાય તાપી, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.

વરસાદની વ્યાપકતાની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત પ્રદેશના મોટાભાગના સ્થળોએ વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ વરસાદ નોંધાયો હતો. જોકે, કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. હવામાનની આ સ્થિતિ મુખ્યત્વે અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના દબાણ અને પશ્ચિમી વિક્ષોભને કારણે જોવા મળી રહી છે. અરબી સમુદ્ર પરનું ‘ડિપ્રેશન’ ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, જેની અસર આગામી ૪૮ કલાક સુધી રહેવાની સંભાવના છે.

અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, જૂનાગઢ અને બોટાદમાં પણ અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાજવીજ સાથે વરસાદ અને પવનની ચેતવણી

સમગ્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં આજે હળવા ગાજવીજ, વીજળી અને સપાટી પર ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગુજરાત પ્રદેશના બનાસકાંઠાથી વલસાડ સુધીના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું હવામાન રહેવાની શક્યતા છે. આ અંગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત જૂનાગઢ, બોટાદ તેમજ નવસારી, સુરત, ભરૂચ અને આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

પાંચ જિલ્લામાં ત્રણ કલાક ભારે

આગામી ત્રણ કલાક માટે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ ભરૂચ અને સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…અમરેલીમાં મેઘતાંડવઃ 9 ઇંચ વરસાદથી નદી-નાળા છલકાયા, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button