અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ! જાણો કયા જિલ્લામાં વરસાદની આગાહી ? | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ! જાણો કયા જિલ્લામાં વરસાદની આગાહી ?

અમદાવાદ: રાજ્યમાં નોરતાના આગમન પૂર્વે જ ખેલૈયાની મજા બગાડે તેવા સમાચાર રાજ્યના હવામાન વિભાગે આપ્યા છે. રાજ્યના હવામાન વિભાગે નોરતામાં પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે અનુસાર અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદના અનેક શહેરોમાં વરસાદ

આજે ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક માટે કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાને બાદ કરતાં સમગ્ર રાજયમાં વરસાદનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે જેને પગલે આજે મોડી રાતથી અમદાવાદ શહેરના અનેક વિસ્તારના ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલડી, ઇસ્કોન, સરખેજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે.

આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાને બાદ કરતાં સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોરતાની મજા ફિક્કી રહેશે?

ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલનારા ઉમંગના તહેવારમાં વરસાદ ખેલૈયાઓની મોજને બગાડી શકે છે. નવરાત્રીના આરોજનોમાં વરસાદનું વિઘ્ન હાલ તો દેખાય રહ્યું છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં મગફળીના પાકની લણણીની મોસમ હોય વરસાદ મગફળીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી આ વરસાદે ખેડૂતોની પણ ચિંતા વધારી છે.

આ પણ વાંચો…ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની સુરતમાં ધમાકેદાર બેટિંગ, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button