
અમદાવાદ: દિવાળીના તહેવાર પર જ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે ચડી જતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ઓકટોબર હીટની વચ્ચે જ રાજ્યના અમુક ભાગોમાં તહેવારના ટાણે જ માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે, જેમાં અમદાવાદ અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાયો છે. જોકે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આગામી છ દિવસ સુધી હળવા વરસાદની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગરમીનું જોર નોંધનીય રહ્યું છે, જેમાં મહત્તમ તાપમાન ૩૭.૨°C અને ન્યૂનતમ તાપમાન ૨૧.૪°C નોંધાયું હતું. મુખ્ય શહેરોની વાત કરીએ તો, ભૂજ, રાજકોટ, અમદાવાદ અને સુરતમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭°C સુધી પહોંચ્યો હતો, જ્યારે વડોદરામાં ૩૬°C અને અમરેલીમાં ૩૫°C તાપમાન નોંધાયું હતું. ન્યૂનતમ તાપમાનમાં નલિયા ૧૭°C સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું, જ્યારે રાજકોટમાં ૧૯°C, અમદાવાદ અને અમરેલીમાં ૨૧°C, ભૂજમાં ૨૨°C, વડોદરામાં ૨૩°C અને સુરતમાં ૨૪°C લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આગામી ૭ દિવસ માટે હવામાનની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ સુધી રાજ્યમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જો કે આગામી છ દિવસ એટલે ઓક્ટોબર ૧૯ થી ઓક્ટોબર ૨૪ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ આગાહી મુજબ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જો કે ઓક્ટોબર ૨૫ના રોજ, સમગ્ર ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરુઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી