
અમદાવાદઃ છેલ્લા થોડા સમયથી ગુજરાત સહિત દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી રહે છે. કેટલીક જગ્યાએ બરફ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ પહેલા કાળઝાળ ગરમી પડી પછી તાપમાન થોડું નીચું આવ્યું હતું અને કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પણ પડ્યાં હતા. હવામાન વિભાગ દ્વારા ફરી ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રના ભાગોમાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે.
શનિવારે ગુજરાતના 15 મુખ્ય શહેરોમાંથી 9 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ હતું, જ્યારે 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને તેથી નીચે નોંધાયું હતું.
આ પણ વાંચો…આજે GUJCETની પરીક્ષાઃ 1.29 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે…
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાતમાં પહેલા કાળઝાળ ગરમી પડી પછી તાપમાન થોડું નીચું આવ્યું અને કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પણ પડ્યાં હતા. 25મી માર્ચ સુધી ગરમી પડવાના સંજોગો છે. જેમાં ગુજરાતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન થશે, તો કોઈ કોઈ ભાગોમાં 42 ડિગ્રી તાપમાન પહોંચવાની શક્યતાઓ રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો વડોદરા, તેમજ સૌરાષ્ટ્રના ભાગો જુનાગઢ, સુરેન્દ્રનગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી વધુ રહી શકે છે.
એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે અને મહત્તમ તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને પેસિફિક મહાસાગરમાંથી ટોપિકલ સ્ટ્રોમ બનવાની શક્યતાઓ રહેતા તેની અસર લગભગ હિંદ મહાસાગર થઈને બંગાળના ઉપસાગરમાં સક્રિય રહે. સૂર્યની ક્રાંતિ વધતા ગરમી આકરી પડશે.