ગુજરાતમાં હૃદય રોગના કેસમાં 65 ટકાનો ચિંતાજનક વધારો: દૈનિક સરેરાશ 141 થી વધીને 232 થઈ

અમદાવાદ: આજે વર્લ્ડ હાર્ટ ડે (વિશ્વ હૃદય દિવસ) છે. ગુજરાતીઓના હૃદય ધીમે ધીમે નબળા પડી રહ્યા છે, એક રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. ગુજરાતમાં હૃદય રોગના કેસમાં 65 ટકાનો વધારો થયો છે, ઉપરાંત દૈનિક સરેરાશ કેસની સંખ્યા 141થી વધીને 232 થઈ છે.
2018 માં 108 ઇમરજન્સી સેવાઓમાં ગુજરાતમાં 365 દિવસમાં 51,315 કાર્ડિયાક ઇમરજન્સી નોંધાઈ હતી, જેની દૈનિક સરેરાશ 141 હતી. આઠ વર્ષ પછી 2025 માં, 25 સપ્ટેમ્બર સુધીમાં આવી ઇમરજન્સીની સંખ્યા વધીને 62,044 થઈ હતી, જેની દૈનિક સરેરાશ 232 કેસ છે. નિષ્ણાતોના મતે, આ સેવામાં નોંધાયેલો 65 ટકાનો વધારો આંખ ઉઘાડનારો છે.
અમદાવાદની સ્થિતિ છે ગંભીર
અમદાવાદ શહેરના આંકડાઓ વધુ ગંભીર છે. 108 ના આંકડા મુજબ 2018 માં દૈનિક 38 કેસની સરખામણીમાં 2025 માં કેસો વધીને દૈનિક 65 થયા છે. એટલે કે 71 ટકા જેટલો વધારો થયો છે. કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદય અને રક્તવાહિની સંબંધિત) સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવતા વિશ્વ હૃદય દિવસ પર આ ચિંતાજનક ડેટા વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આ વર્ષની થીમ, ‘Don’t Miss a Beat’, પ્રારંભિક હસ્તક્ષેપ અને નિવારક પગલાં લેવા પર ભાર મૂકે છે.
40 વર્ષ સુધીના દર્દીઓની સંખ્યા વધી
આવા કેસોનું પ્રમાણ 2019 માં સૌથી વધુ 33 ટકા અથવા દર ત્રણ કેસમાં એક હતું. 2020 માં, તે 27.8 ટકા હતું. ડેટા અનુસાર, આ વર્ષે આવા દર્દીઓ કુલ કાર્ડિયાક ઇમરજન્સીના લગભગ 30 ટકા જેટલા છે. ઇમરજન્સીના વય-આધારિત વિશ્લેષણ સૂચવે છે કે છેલ્લા આઠ વર્ષોમાં 40 વર્ષ સુધીની ઉંમરના દર્દીઓ આવી ઇમરજન્સીમાં 28 ટકા થી 33 ટકા હિસ્સો ધરાવે છે.
હાર્ટ એટેકથી બચવા શું કરશો
હાર્ટ એટેકથી બચવા માટે જીવનશૈલીમાં ફેરફાર અને કેટલાક નિયમિત પગલાં લેવા ખૂબ જરૂરી છે. નીચે આપેલી કેટલીક બાબતોનું પાલન કરીને તમે હાર્ટ એટેકથી બચી શકો છો.
- તંદુરસ્ત આહાર લો
- નિયમિત વ્યાયામ કરો
- ધૂમ્રપાન અને દારૂ ટાળો
- તણાવ ન લો અને પૂરતી ઉંઘ લો
- નિયમિત હેલ્થ ચેક અપ કરાવો
આ પણ વાંચો…ગુજરાતમાં એપ્રિલ મહિનામાં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 18 ટકાનો વધારો થયો…