
અમદાવાદઃ શિયાળાની શરૂઆત સાથે રાજ્યમાં હાર્ટ એટેકના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં હાર્ટ એટેકથી છેલ્લા પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના મૃત્યુ થયા છે. હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે. રાજ્યમાં દરરોજ સરેરાશ 205 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે.
શેમાં આ વિગત આવી સામે
ગુજરાતમાં જે કારણથી સૌથી વધુ મૃત્યુ થાય છે તેમાં હાર્ટ એટેક મોખરે છે. રાજ્યમાં કઈ બીમારીથી સૌથી વધુ મૃત્યુ થયા તે અંગેના અહેવાલમાં આ વાત સામે આવી હતી. જે મુજબ, રાજ્યમાં 2019માં 8689 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા, 2023માં આંકડો વધીને 74,777 પર પહોંચ્યો હતો. રાજ્યમાં પાંચ વર્ષમાં 2.97 લાખ લોકોના હાર્ટ એટેક – હૃદય સંબંધિત બીમારીથી મૃત્યુ થયા હતા.
2023 સુધીના આંકડા થયા છે જાહેર
2021ની સરખામણીએ 2023માં હૃદયની બીમારીથી થતાં મૃત્યુના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2021માં 93,979 મોત સાથે સરેરાશ 257 વ્યક્તિના મૃત્યુ થયા હતા. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા 2023 સુધીના જ છે. વર્ષ 2024 અને ચાલુ વર્ષના આંકડામાં આ આંક વધુ ઊંચે જઈ શકે છે.
એક વર્ષમાં વિવિધ કારણોથી 2.35 લાખ લોકોના મોત
આ ઉપરાંત રાજ્યમાં એક વર્ષમાં વિવિધ કારણોથી 2.35 લાખ લોકોના મૃત્યુ થયા છે. કોવિડના વર્ષ 2020માં 5.23 લાખ અને 2021માં 7.25 લાખ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત એક વર્ષમાં શ્વાસ-અસ્થમાથી 24,583, કેન્સરથી 18371, વાહન અકસ્માતમાં 7626 વ્યક્તિના મૃત્યુ થયા છે.
રાજ્યમાં કયા વર્ષે કેટલા લોકોના હાર્ટ એટેક – હૃદય સંબંધી બીમારીથી થયા મોત
વર્ષ 2019 – 8689
વર્ષ 2020 – 50,454
વર્ષ 2021 – 93,797
વર્ષ 2022 – 70,182
વર્ષ 2023- 74,777
કુલ – 2,97,899
આ પણ વાંચો…યુવાનોમાં હાર્ટ એટેકઃ જિમ અને વર્ક પ્રેશર કેટલું જવાબદાર ? સંસદમાં સરકારે શું કહ્યું ?



