હાટકેશ્વર બ્રિજ તોડાશેઃ આઈઆઈટી ગાંધીનગરે ડિમોલિશન પ્લાનને આપી મંજૂરી

અમદાવાદઃ શહેરના વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડવા માટે ગાંધીનગર સ્થિત આઈઆઈટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને તોડવા માટે રજૂ કરવામાં આવેલી મેથેડોલોજીને મંજૂર કરવામાં આવી હતી. જેમાં મુખ્ય સ્પાનોમાં કોન્ટ્રાકટર દ્વારા ટેમ્પરરી સપોર્ટ સિસ્ટમ જેમ કે ક્રિબ્સ અને ટ્રેસલ્સ મુકવામા આવશે. બંને બાજુના કેન્ટી લેવર પોર્શનને અલગ અલગ સેગમેન્ટમાં ડાયમંડ કટર મેથડથી કટ કરી સલામત રીતે દૂર કરવામા આવશે. કામગીરી દરમિયાન જાહેર જનતાની સલામતીને ધ્યાનમા રાખીને વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે. વૈક્લિપક રૂટનો ઉપયોગ કરવા દિશા સુચક બોર્ડ મુકાશે. આસપાસના રહેવાસીઓ અને વેપારીઓની સલામતીને ધ્યાનમા રાખીને સર્વિસ રોડ ઉપર બેરીકેડીંગ અને ગ્રીન નેટ સાથે કામગીરી કરવામાં આવશે.
બ્રિજને તોડતી વખતે સૌપ્રથમ સ્પાનના બંને બાજુના ક્રેશ બેરીએરને તોડીને દૂર કરવામાં આવશે. બ્રિજ તોડવાની કામગીરી મુંબઈ સ્થિત શ્રી ગણેશ કન્સ્ટ્રકશનને 3.90 કરોડ રૂપિયાના ખર્ચે અપાયો છે. કોન્ટ્રાકટર દ્વારા હાટકેશ્વર બ્રિજ ઉપર 8590 ચોરસમીટર જેટલુ બીટુમીન વેરીંગ કોટ દૂર કરાયુ છે. ખોખરા તરફના ભાગ ઉપર બંને બાજુના ફીલીંગ પોર્શનમાં આવેલ આર.સી.સી.વોલ આશરે 35 મીટર જેટલી તોડાઈ છે. જ્યારે સીટીએમથી હાટકેશ્વર સ્મશાન તરફના રસ્તા ઉપર ડાબી બાજુએ 20 મીટર ક્રેશ બેરીએર તોડવામાં આવેલા છે. હાલમાં હાટકેશ્વર સ્મશાન તરફ ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત 33 મીટરના બંને તરફના સ્પાનમાં સોલીડ સ્લેબને જોડતા પીઅરકેપ પાસે સેન્ડબેગ દ્વારા સપોર્ટીંગની કામગીરી ચાલી રહી છે.
બ્રિજ તોડવાનો કેટલો ખર્ચ થશે
બ્રિજ તોડવાનો કુલ ખર્ચ રૂ. 8 કરોડ જેટલો થશે. પરંતુ ચાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ બ્રિજ તૂટવાના કારણે જે રો-મટિરિયલ અને અન્ય વસ્તુઓ નીકળશે જે તમામ સામાન કોન્ટ્રાક્ટર કંપની દ્વારા લઈ જવામાં આવશે. જેના કારણે બ્રિજને તોડવા માટેનો ખર્ચ માત્ર રૂ. 4 કરોડ રૂપિયા કોર્પોરેશનને ચૂકવવો પડશે. આગામી છ મહિનામાં બ્રિજ તૂટી જશે.
આ બ્રિજ બનાવવા માટે 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને 8 કરોડના ખર્ચે તોડાશે. આમ લોકોના ટેક્સના 50 કરોડ રૂપિયા પાણીમાં જશે. આટલા મોટા ખર્ચે બનેલા બ્રિજને થોડા જ વર્ષોમાં તોડી પાડવા પાછળ બીજા કરોડોનો ખર્ચ થવો એ જાહેર નાણાંના મોટા પાયે થતા વ્યય અને તંત્રની બેદરકારી દર્શાવે છે.
આપણ વાંચો: આ કારણે દોઢ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીનું લોકાર્પણ અટક્યું