આટલું ગંદુ રાજકારણ મેં જોયું નથીઃ અખિલેશ-કેજરીવાલને હર્ષ સંઘવીનો જવાબ

અમદાવાદઃ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતના શિક્ષણ મોડેલ મામલે ટ્વીટ કરી વિવાદોનો મધપૂડો છેડયો છે ત્યારે ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેને વળતો પ્રહાર કર્યો છે.
અખિલેશ યાદવે એક ટ્વીટ કરી છે અને તેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડનો ઉલ્લેખ છે. નવાઈની વાત એ છે કે તેણે જે 10મા બોર્ડની પરીક્ષાના પરિણામોની વાત કરી છે તે વર્ષ 2023ના હોવાનું કહેવાય છે. આ વર્ષના પરિણામો તો હજુ આવ્યા જ નથી.
અખિલેશે ટ્વીટ કરી કહ્યું છે કે ગુજરાત બોર્ડની દસમાની પરીક્ષામાં 157 સ્કૂલમાંથી એકપણ બાળક પાસ થયું નથી. આ છે ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ જ ફેલ ગયું છે.
તેની પોસ્ટને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપ્યું અને જણાવ્યું કે આ ગુજરાત મોડેલ છે અને આ જ તેમની ડબલ એન્જિન સરકાર છે.
આપણ વાંચો: એકલા અમદાવાદમાં ત્રણ વર્ષમાં આગની સાડા છ હજાર ઘટનાઃ મુખ્ય કારણ આ
સંઘવીએ શું જવાબ આપ્યો
બન્ને નેતાઓએ કટાણે કરેલી આ પોસ્ટના જવાબમાં સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જ જાહેર કર્યું નથી. રાજનીતિ માટે બાળકોનો ઉપયોગ ના કરવો જોઈએ. અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યાં છે. તેમણે ખોટી માહિતી ફેલાવી છે. તેમને બાળકોને રાજનીતીમાં ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. મેં આ પ્રકારના કપટી નેતાઓને ક્યારેય જોયા નથી. આવું ગંદુ રાજકારણ મેં જોયું નથી. અખિલેશ યાદવે ગુજરાતની બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા પહેલા જ સોશિયલ મીડિયા પર નકલી પરિણામો શેર કર્યાં છે.
બન્નેમાંથી જ સાચા કે ખોટા તે વાત અલગ છે, પરંતુ ગુજરાત, ઉત્તર પ્રદેશ કે દેશના કોઈપણ રાજ્યના રાજકારણીઓને આ મામલે બોલવાનો ખાસ કોઈ હક નથી કારણ કે દરેક રાજ્યમાં સરકારી શિક્ષણની હાલત કથળી ગઈ છે અને શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે.