નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના શુભેચ્છકે જે કર્યું તે બેનર્સ મૂકનારા દરેક માટે દાખલારૂપ

અમદાવાદઃ ગૃહરાજ્ય પ્રધાનમાંથી પ્રમોશન મેળવી હર્ષ સંઘવી નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે. ગઈકાલે તેમણે આ પ્રમોટેડ પદ માટે શપથ લીધા અને સૌથી યુવાનવયના નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે.
પોતાના નેતાની આ સિદ્ધિ કાર્યકર્તાઓ, શુભચિંતકો માટે આનંદનું કારણ હોય છે. રાજકારણીઓ જ્યારે પણ આવી કોઈ સિદ્ધિ મેળવે ત્યારે તેમના નામ-તસવીરો સાથે શહેરમાં ઠેકઠેકાણે બેનર લાગી જાય છે. ત્યારે સંઘવીએ એક નવો ચીલો ચાતર્યો છે.
હર્ષ સંઘવીએ અપીલ કરી કે…
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. તેમણે શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા વિનંતી કરીને, તેના બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી.
હર્ષ સંઘવીની આ નમ્ર અપીલનો એક સકારાત્મક અને ઉત્કૃષ્ટ પ્રતિભાવ મળ્યો હોવાનું એક બાબત ધ્યાને આવી છે.
સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને એક શુભેચ્છક તરફથી એક અનોખું દાન મળ્યું છે. આ દાતાએ નાયબ મુખ્ય પ્રધાનને અભિનંદન આપતા હોર્ડિંગ બેનર ન લગાવતા ૩૦ જરૂરિયાતમંદ આંખની સર્જરી કરાવી આપવા માટે સંસ્થાને દાન પૂરું પાડ્યું છે. હર્ષ સંઘવીએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું છે.
હર્ષ સંઘવીની સંવેદનશીલ અપીલને પગલે થયેલા આ દાનથી સ્પષ્ટ થાય છે કે, સન્માનના બદલે સામાજિક કલ્યાણને પ્રાધાન્ય આપવાની વિચારધારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એક તરફ જ્યાં શુભેચ્છાઓના હોર્ડિંગ્સ થોડા દિવસોમાં ઉતારી લેવાય છે, ત્યાં આ ૩૦ નેત્ર સર્જરી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે. આ ઘટના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે શુભેચ્છા ખરા અર્થમાં સેવામાં પરિવર્તિત થઈ શકે છે.
આ પણ વાંચો…40 વર્ષીય હર્ષ સંઘવીને નાયબ મુખ્ય પ્રધાન-ગૃહ પ્રધાનની બેવડી જવાબદારી