હર્ષ સંઘવીનો હુંકારઃ પોલીસથી ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈએ પણ………..

અમદાવાદઃ હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસથી ગુનેગારોના પગ ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈએ.
શું બોલ્યા હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું. પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈ, પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે એવું તેમણે ઉમેર્યું હતું.
હર્ષ સંઘવીએ તેરા તુજકો અર્પણ જેવી કામગીરી માટે ગુજરાત પોલીસની ભરપૂર પ્રશંસા કરી હતી અને આજે લોકોને ખોવાયેલી-ચોરી થયેલી વસ્તુઓ પોલીસના સહકારથી વહેલી તકે મળવા લાગી છે, એનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે સાયબર ક્રાઇમ અંગે ગુજરાત પોલીસની કામગીરીની વાત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં જ એક જ દિવસમાં આપણે સાઇબર ગઠિયાઓ પાસેથી રૂ. 33 કરોડ પાછા મેળવી શક્યા છીએ. આ મહિનામાં પાંચ દિવસો એવા ગયા, જેમાં 3000થી વધુ લોકોએ હેલ્પલાઇન 1930 પર કૉલ કરતાં તેમને સાઇબર ગઠિયાઓથી બચાવ લેવાયા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
સાઇબર ક્રાઇમના અપરાધીઓ જે બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે, એવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એવું જણાવીને સંઘવીએ ઉમેર્યું હતું કે ગત આઠ ડિસેમ્બરે નક્કી થયું અને મ્યૂલ – શંકાસ્પદ એકાઉન્ટ ઓળખી કાઢવા માટે પોલીસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયું અને માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
પોલીસ ભરતીને લઈ શું બોલ્યા હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. આ યુવાનો માટે કોચ તેમજ ફિજિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે, એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, 9 દિવસમાં 423 આરોપીઓ ઝડપ્યા



