અમદાવાદટોપ ન્યૂઝ

છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશેઃ હાર્દિક પટેલના નિવેદનથી ગુજરાત ભાજપમાં ખળભળાટ

અમદાવાદઃ 1 જાન્યુઆરી, 2025ના દિવસે મળેલી ગુજરાત કેબિનેટની બેઠકમાં (Gujarat Cabinet Meeting) નવા જિલ્લાની રચના કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે નવા જિલ્લા બનાવવાની જાહેરાત કરી હતી. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સરાકર અન્ય જિલ્લાઓનું વિભાજન કરી નવા જિલ્લાની જાહેરાત કરી શકે છે તેવી ચર્ચા હાલ થઈ રહી છે.

આ પણ વાંચો: પાટીદાર આંદોલન વખતના પેન્ડિંગ કેસમાં હાર્દિક પટેલને રાહત નહિ, જાણો કોર્ટે શું કહ્યું

આ દરમિયાન ગુજરાત ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું (Gujarat BJP Viramgam MLA Hardik Patel) મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે નળકાંઠા વિસ્તારમાં ભૂમિપૂજન અને લોકાર્પણ સમયે કહ્યું, વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠા તાલુકો બનશે. તેના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. હાર્દિક પટેલે કહ્યું, છાતી ઠોકીને કહું છું વિરમગામ જિલ્લો બનશે અને આપણો નળકાંઠા તાલુકો બનશે. આપણે બધાએ જે કર્યું છે એ દમ મારીને જ કર્યું છે. હાર્દિક પટેલના આ નિવેદન બાદ ગુજરાત ભાજપના ઘણા નેતાઓમાં ગણગણાટ શરૂ થયો છે.

અમદાવાદ, ગાંધીનગરનું પણ થશે વિભાજન

સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર આગામી સમયમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ અને મહેસાણા જિલ્લાના વિભાજન કરીને તેમાંથી જ ચારથી પાંચ નવા જિલ્લાઓની રચના કરવા માટેની વિચારણા કરી રહી છે. હાલ સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લાની રચનાને મંજૂરી આપતા કુલ જિલ્લાઓની સંખ્યા 34 પર પહોંચી છે પરંતુ આગામી સમયમાં આ સંખ્યા વધુ થઈ શકે તેવી શક્યતાઓ છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આગામી સમયમાં સરકાર અમદાવાદ જિલ્લાનું વિભાજન કરીને અમદાવાદ શહેર અલગ જિલ્લો તેમજ વિરમગામને નવા જિલ્લા તરીકે જાહેર કરી શકે છે. જે હાલના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ભાગોને જોડીને બનાવવામાં આવી શકે છે. તે ઉપરાંત કચ્છના ભાગોને જોડીને નવો જિલ્લો જાહેર કરવામાં આવી શકે છે.

કચ્છમાંથી બની શકે છે બે જિલ્લા

ભૌગોલિક રીતે વિસ્તરેલા ખૂબ જ મોટા જિલ્લા કચ્છને પણ વિભાજિત કરીને તેમાંથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ એવા બે અલગ જિલ્લામાં વિભાજીત કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર વડા પ્રધાનના વતન વડનગરને મહેસાણામાંથી નવા જિલ્લા તરીકે બનાવવાની જાહેરાત કરવાની પર વિચારણા કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button