નોન ઉજ્જવલા LPG કનેકશન સામે ઘરેલું PNG અપનાવવામાં ગુજરાત દેશમાં અવ્વલ
મહારાષ્ટ્રમાં 40.42 લાખ ઘરેલું PNG કનેક્શન

અમદાવાદઃ ગુજરાતમાં આશરે 36 લાખ પીએનજી ગ્રાહકો છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અંતર્ગત આવતાં પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ (PPAC) ના ડેટામાં આ વાત સામે આવી હતી.
રાજ્યમાં 82.75 લાખ નોન-ઉજ્જવલા LPG (લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ)ના કનેક્શનની સામે 32.88 લાખ ઘરેલું PNG (પાઈપ્ડ નેચરલ ગેસ)ના કનેક્શનમાં ગુજરાતનો 39.7 ટકા હિસ્સો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનાલિસિસ સેલ મુજબ 30 એપ્રિલ, 2025 સુધીમાં ઘરેલું PNG કનેક્શનની સંખ્યા 35.93 લાખ હતી.
આપણ વાંચો: ઈલેક્શન ઈફેક્ટ.. યોગી સરકાર 1.75 કરોડ ઉજ્જવલા લાભાર્થીઓ ફ્રીમાં આપશે LPG સિલિન્ડર
PPAC અનુસાર, મહારાષ્ટ્રમાં 40.42 લાખ ઘરેલું PNG કનેક્શન સાથે સૌથી વધુ સંખ્યા છે, તેમ છતાં, ગુજરાત નોન-ઉજ્જવલા LPG કનેક્શનની સામે ઘરેલું PNG કનેક્શનની દ્રષ્ટિએ દેશમાં ટોચ પર છે. ગુજરાતનો હિસ્સો લગભગ 39 ટકા છે, જે મહારાષ્ટ્રના 14 ટકા કરતા ઘણું વધારે છે.
PPAC મુજબ, PNG અપનાવવામાં ગુજરાતના કમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ યુઝર્સ અગ્રણી છે. ભારતમાં કુલ 45,518 વ્યાપારી PNG કનેક્શન છે, જેમાંથી 24,122 ગુજરાતમાં છે. દેશભરમાં 20,556 ઈન્ડસ્ટ્રિયલ PNG કનેક્શનોમાંથી એપ્રિલ 2025ના અંતે ગુજરાતમાં 5851 કનેક્શન હતા.
આપણ વાંચો: ઉજ્જવલા યોજનામાં હજુ બીજા આટલા લાખ એલપીજી કનેક્શન ફ્રી આપશે સરકાર….
સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં PNG સેગમેન્ટમાં અગ્રેસર રહ્યું છે, અને વર્ષોથી આ સ્થાન વધુ મજબૂત બન્યું છે. ગુજરાતમાં અંકલેશ્વરમાં, દહેજ અને હજીરામાં નેચરલ ગેસની વહેલી શોધ થઈ હતી અને PNG અપનાવવાનું દાયકાઓ પહેલા શરૂ થયું હતું. છેલ્લા બે દાયકામાં રાજ્યમાં PNG અપનાવવામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે અને મુખ્ય કારણ રાજ્ય સરકારની નીતિ છે.
ઉપરાંત, દેશનો 70 ટકા આયાતી ગેસ ગુજરાતના બંદરો પર ઉતરે છે, જે પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે યૂઝર ફ્રેન્ડલી પણ છે, તેથી માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતાને કારણે ગુજરાતમાં લોકોએ આને ઝડપથી અપનાવ્યું છે અને શહેરોમાં નવી ઇમારતોમાં ગેસ કનેક્શન એક નવો સામાન્ય નિયમ બની ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં PNG અપનાવવાની ગતિ અપેક્ષા કરતાં ધીમી રહી છે, અને સરકાર દેશના ઉર્જા બાસ્કેટમાં ઇંધણ તરીકે ગેસનો હિસ્સો વધારવા માટે વિવિધ પગલાં લઈ રહી છે.