
અમદાવાદઃ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ પાંચ વર્ષ કરતાં વધુ સમય વીતાવી ચુક્યા છે. તેમના સ્થાને રાજ્યમાં કોને સુકાન આપવામાં આવે છે તેના પર સૌની નજર છે. ટૂંક સમયમાં જ રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ જાહેર થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે કે, ભાજપના નેતા અને કેન્દ્રીય જળ સંસાધન પ્રધાન સી.આર. પાટીલ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના સંભવિત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહની સુરત મુલાકાત દરમિયાન પાટીલની હાજરીએ પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જગાવ્યો છે.
સૂત્રો મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાહ પછી પાટીલનું કદ વધવાથી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ વધશે. જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂરો થવાના આરે છે ત્યારે, ગુજરાતમાં પાટીલની સતત ચૂંટણી સફળતા, પક્ષ પરની તેમની મજબૂત આંતરિક પકડ અને ટોચના નેતૃત્વ સાથેના તેમના ગાઢ સંબંધો તેમની સંભાવનાઓને વધુ મજબૂત બનાવે છે.
2022 વિધાનસભાની ચૂંટણીનું પરિણામ
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વ્યૂહરચનાના કારણે ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 સીટ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જ્યારે કૉંગ્રેસને 17 બેઠક મળી હતી. આમ આદમી પાર્ટીને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. 2017માં ભાજપને 108 સીટ, કૉંગ્રેસને 68 સીટ તથા અન્યને 6 સીટ મળી હતી.
ત્રીજો સૌથી લાંબો કાર્યકાળ
અત્યાર સુધી, નવ નેતાઓને ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી છે. આમાં સૌથી લાંબો કાર્યકાળ રાજેન્દ્ર સિંહ રાણાનો હતો. આ પછી, આર.સી. ફળદુ સૌથી લાંબા સમય સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. રાણાનો કાર્યકાળ સાત વર્ષનો હતો, જ્યારે આર.સી. ફળદુ છ વર્ષ અને 18 દિવસ માટે પ્રમુખ રહ્યા હતા. સી.આર. પાટીલ જુલાઈ 2025માં પાંચ વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા પ્રદેશ પ્રમુખ બન્યા હતા. સૌથી ટૂંકો કાર્યકાળ ગુજરાતના સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો હતો. તેમણે 173 દિવસ માટે સંગઠનનો કાર્યભાર સંભાળ્યો હતો. વજુભાઈ વાળા એવા નેતા હતા જેમને બે અલગ અલગ સમયે પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી હતી. જીતુ વાઘાણી પછી સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા હતા. તેમણે 20 જુલાઈ 2020 ના રોજ આ જવાબદારી સંભાળી હતી.
પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો
સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખની કમાન સંભાળતા જ, પેજ સમિતિની રચના કરી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો જે સફળ રહ્યો હતો. વર્ષ 2020માં રાજ્યની 8 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો તેમની જ લીડરશીપ હેઠળ લહેરાયો હતો. 2021માં મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ, જેનો શ્રેય પણ તેમના જ સીરે રહ્યો હતો.
જિલ્લાભરમાં સ્નેહ મિલન કાર્યક્રમો કરી સેવા હી સંગઠન અભિયાન ચલાવ્યું હતું. વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમો યોજી તેમણે કાર્યકરતાઓથી લઈ નાગરિકોના મનમાં અલગ જગ્યા બનાવી હતું. જેનું ફળ તેમને 2021માં મળ્યું હતું. ગાંધીનગર મનપાની 44 બેઠકોમાંથી 41 બેઠકો પર જનતાએ કમળને આશીર્વાદ આપ્યા હતા. વધુમાં 2021માં કુલ 31 માંથી 31 જિલ્લા પંચાયત કબ્જે કરી હતી. જ્યારે 214 તાલુકા પંચયાતમાંથી 196 તાલુકા પંચાયતમાં જીત મેળવી હતી, તો વર્ષ 2021માં રાજ્યની તમામ મહાનગર પાલિકાની કુલ 576 બેઠકોમાંથી 483 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો જેનું સુંદર પરિણામ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું હતું.
સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી ઐતિહાસીક જીત મેળવી હતી. જેની સીધી અસર વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી ઉપર પણ જોવા મળી હતી. ભાજપે કુલ 26માંથી 25 બેઠકો પર જીત મેળવી હતી. મહત્વનું છે કે સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા પછી સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં કુલ 219 સંસ્થાઓમાં પણ વિજય મેળવ્યો હતો. આ પરિણામ આંકડા સ્વરૂપે જે રીતે જોવા મળે છે તેની પાછળનું કારણ તેમનું સ્ટ્રોંગ નેતૃત્વ જ છે. એક કાર્યકરતાથી લઈ તેઓ કેન્દ્રીય જળશક્તિ પ્રધાન બન્યા છે.
આ પણ વાંચો…સુરતઃ અમિત શાહે સી.આર. પાટીલના ઘરે બેઠકમાં શું કરી ચર્ચા?