ગુજરાતનું ઓટો માર્કેટ ટોપ ગિયરમાં: રાષ્ટ્રીય વૃદ્ધિ કરતાં બમણું વેચાણ…

અમદાવાદઃ રાજ્યમાં નવેમ્બર મહિનામાં વાહનોના વેચાણમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય ટ્રેન્ડ કરતાં પણ રાજ્યમાં વાહનના વેચાણમાં 42 ટકાનો વધારો થયો હતો. રાજ્યમાં પેસેન્જર વ્હીકલના રિટેલ માર્કેટમાં નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે 42.36 ટકાનો વધારો થયો હતો. ગત વર્ષના 25,539 પેસેન્જર વ્હીકલની સામે આ વર્ષે 36,101નું વેચાણ થયું હતું. જે રાષ્ટ્રીય સ્તરે પેસેન્જર વ્હીકલના 19.71 ટકાના વેચાણ સ્તરને વટાવી ગયું હતું.
ઓટો માર્કેટમાં કેમ આવી તેજી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ આંકડાઓનું કારણે તહેવારો બાદ સતત ખરીદી, ગ્રામીણ માંગમાં વધારો છે. જીએસટી ઘટાડાની અસર હજુ પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં એક મોટો વેપારી વર્ગ તહેવારોના સમયગાળા પછી વાહનોની ખરીદી કરે છે અને ગ્રામીણ માંગ પણ ઘણી મજબૂત રહી છે.
વેચાણ વધવાનું આ પણ છે એક કારણ
ડીલરોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં દિવાળી પછી ખરીદી કરવાની પરંપરા ઘણીવાર વ્યાપારી પરિવારો માટે શુભ માનવામાં આવે છે. તેણે વેચાણની ગતિને નવેમ્બર સુધી લંબાવવામાં મદદ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ વધારો કોઈ અચાનક માંગમાં ઉછાળાને બદલે મોટાભાગે તહેવારો પછીના સ્પિલઓવર (વધારો)નું પરિણામ છે. નવરાત્રિ અને દિવાળીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલી મોટી સંખ્યામાં બુકિંગની ડિલિવરી તહેવારો પછી જ કરવામાં આવી હતી, જેના કારણે નવેમ્બરના રજિસ્ટ્રેશનના આંકડા વધ્યા છે.
આ કાર લોકો વધુ ખરીદી રહ્યા છે
આ વર્ષની શરૂઆતમાં પેસેન્જર વ્હીકલ પર GST દરમાં ઘટાડાથી ગ્રાહકોનો ઉત્સાહ વધુ જળવાઈ રહ્યો છે. ખાસ કરીને કોમ્પેક્ટ એસયુવી અને એન્ટ્રી-લેવલ સેડાનની લોકો વધુ ખરીદી કરી રહ્યા છે. જ્યારે શહેરી બજારોએ નોંધપાત્ર યોગદાન આપ્યું, ત્યારે ગ્રામીણ બુકિંગ અને ડિલિવરીમાં નોંધપાત્ર વધારો મુખ્ય ચાલક રહ્યો છે. આ ઉપરાંત વર્ષના અંતના પ્રમોશન ચાલુ હોવાથી અને ઇન્વેન્ટરીનું સ્તર સ્થિર થઈ રહ્યું હોવાથી ડિસેમ્બરમાં પણ આ સ્થિતિ જળવાઈ રહેવાની લોકોને આશા છે.
આ પણ વાંચો…નવેમ્બરમાં EV વેચાણ ઘટ્યું: ટાટા મોટર્સ ‘માર્કેટ કિંગ’ અને મહિન્દ્રાનો દબદબો કાયમ, જુઓ આંકડા



