ગુજરાતના 17 વર્ષ જૂના SIR પ્રોજેક્ટની ‘ધીમી’ ગતિ: 13માંથી માત્ર 3 ઝોન કાર્યરત

અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યના વિકાસથી વંચિત વિસ્તારોમાં ઉદ્યોગો ઊભા થાય અને લોકોને રોજગારી મળે તેના માટે વર્ષ 2009માં 14 જેટલા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (સર) વિકસિત કરવા માટે ખાસ નીતિની જાહેરાત કરી કરી હતી. સરકારનો આ પાછળનો હેતુ અગાઉથી જ વિકસિત વિસ્તારોને બદલે ઔદ્યોગિક રીતે પછાત પ્રદેશો તરફ રોકાણ વધારવાનો હતો. આ માટે રાજ્ય સરકાર છેલ્લા 17 વર્ષથી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (સર)માં રોકાણ આકર્ષવા માટે રોકાણકારોને રાહતરૂપ ખાસ પ્રોત્સાહનો આપવા માટેની યોજના બનાવી રહી છે.
આઠ સ્થળ પસંદ કરવામાં આવ્યા હતા
રાજ્ય સરકારે સરના વિકાસ માટે શરૂઆતમાં 8 સ્થળ પસંદ કર્યા હતા, તેમાંથી 7 ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (જીઆઈડીબી)ને સોંપ્યા હતા, જ્યારે એક માત્ર ભાવનગર વિસ્તારમાં જમીન સંપાદન સંબંધિત વિઘ્નોના કારણે બાકાત રાખવામાં આવ્યો હતો.
જોકે, સરકારના તમામ પ્રયાસો છતાં આ મહત્વાકાંક્ષી યોજના સફળ રહી નથી. માત્ર 3 ધોલેરા, માંડલ-બેચરાજી અને દહેજ સ્થિત પેટ્રોલિયમ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (સર) જ હાલ કાર્યરત છે તેમ છતાં રાજ્ય સરકાર અન્ય વિસ્તારોમાં પણ રોકાણકારોને આકર્ષવાનું લક્ષ્ય ધરાવે છે. આ માટે રાજ્ય સરકારનો ઉદ્યોગ વિભાગ આગામી વાઈબ્રન્ટ ઈન્વેસ્ટર્સ સમિટ માટે ખાસ સ્થાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
આરટીઆઈના જવાબમાં આપી માહિતી
એક આરટીઆઈના જવાબમાં, ગુજરાત વિકાસ બોર્ડના જાહેર માહિતી અધિકારીએ પુષ્ટિ કરી હતી કે સરકાર દ્વારા મંજૂર થયેલા ૧૩ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (સર) માંથી હાલમાં ફક્ત ત્રણ જ કાર્યરત છે. બાકીના હજુ પણ વિકાસ હેઠળ છે, જે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશોમાં ફેલાયેલા છે. આ સરને કાર્યરત કરવા માટે કુલ ૨,૩૯૭ ચોરસ કિલોમીટર જમીન સંપાદિત કરવામાં આવી રહી છે.
હાલ કાર્યરત ત્રણ સરમાંથી, દહેજ ખાતે આવેલો પીસીપીઆઈઆર 453 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. આ વિસ્તારે રૂ. 1.25 લાખ કરોડના રોકાણોને આકર્ષિત કર્યા છે. તે માર્ગ, રેલ, બંદર અને હવાઈ માર્ગે મજબૂત જોડાણ પ્રદાન કરે છે અને પેટ્રોકેમિકલ્સ અને ઉર્જા ઉદ્યોગોનું કેન્દ્ર છે.
અમદાવાદ અને મહેસાણા વચ્ચે ૧૦૨ ચોરસ કિમીમાં ફેલાયેલો સર, માંડલ-બેચરાજી વચ્ચે સંપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને તેણે રૂ. ૧૨,૦૦૦ કરોડના રોકાણો આકર્ષ્યા છે. તે વાણિજ્યિક વિકાસ, નગર આયોજન અને માળખાગત સુવિધાઓ તેમજ ઓટોમોબાઈલ અને સંલગ્ન ઉદ્યોગો માટે એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
આપણ વાંચો: રાજકોટ સિવિલ ફરી વિવાદમાં: ગાયિકા મીરા આહિરના ભાઈને ઇમરજન્સીમાં દાખલ ન કરાતા હોબાળો
જ્યારે અમદાવાદ જિલ્લામાં ૩૬૦ ચોરસ કિમીમાં ફેલાયેલું ધોલેરા સર, ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે. તે લગભગ ૨ લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે, સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ, હેવી એન્જિનિયરિંગ, ઉડ્ડયન, ફાર્મા, ઉત્પાદન અને વીજળી સહિતના વિવિધ ક્ષેત્રોનું મોટું હબ બન્યું છે.