
અમદાવાદ RPO માં રોજના 750 પાસપોર્ટ પ્રોસેસ થયા, બાપુનગરના નવા કેન્દ્ર પર ધસારો વધ્યો
અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. અમેરિકામાં ટ્રમ્પે વિઝા નિયમો કડક બનાવતા હવે ગુજરાતીઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશો તરફ વળ્યા છે. જેની અસર અમદાવાદ રિજયોનલ પાસપોર્ટ ઓફિસ (RPO) પર પણ જોવા મળી હતી. RPOને 2025માં દર બે મિનિટે ત્રણ પાસપોર્ટ અરજી મળી હતી. RPO પાસપોર્ટ તથા અન્ય સર્વિસ માટે 2025માં 7.6 લાખ અરજી મળી હતી. જોકે 2024ની તુલનામાં અરજીની સંખ્યામાં ઘટાડો થયો હતો. 2024માં RPOને 7.9 લાખ અરજી મળી હતી.
ગત વર્ષે કેમ અરજીની સંખ્યા ઘટી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 2025માં મળેલી 7.6 લાખ અરજીઓમાંથી 7.4 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. બાકીની અરજીઓ પ્રક્રિયા હેઠળ હતી. જે પાછળનું કારણ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સબમિટ કરવામાં આવી હતી. આ ઉપરાંત સૂત્રોએ કહ્યું 2023માં કોવિડ પછીના સમયગાળામાં રિન્યુઅલ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. 2025માં અરજીઓમાં થયેલા ઘટાડાનું કારણ એજ્યુકેશન વિઝા (અભ્યાસ વિઝા) અંગેની અનિશ્ચિતતા હોઈ શકે છે, જેના પરિણામે અરજદારોમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો.

તમામ અરજદારોને ઈ-પાસપોર્ટ
સૂત્રોએ ઉમેર્યું કે, 19 મે, 2025ના રોજ અમદાવાદમાં ‘પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0’ શરૂ કરવામાં આવ્યો હતો. આના પરિણામે સિસ્ટમમાં સુધારા થયા અને તમામ અરજદારોને ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. પાસપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે 2025 માં ત્રણ વિશેષ પેન્ડન્સી ડ્રાઈવ (બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવાની ઝુંબેશ) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીઠાખળી સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રને બાપુનગર ખાતે ખસેડવામાં આવ્યું હતું, જેમાં નવા કેન્દ્ર પર માળખાગત સુવિધાઓ અને પ્રોસેસિંગ ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે.
આ પણ વાંચો…ડ્રેગન ઔર પાસઃ ભારતે ચીની નાગરિકો માટે નવા ઇ-બિઝનેસ વિઝા શરૂ કર્યા
અધિકારીઓએ ઉમેર્યું કે 2025માં ગાંધીનગર, જૂનાગઢ અને જામનગરના પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં સિટિઝન સર્વિસ એક્ઝિક્યુટિવ કાઉન્ટર્સની સંખ્યા વધારીને તેમની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત RPO દ્વારા ગુજરાત યુનિવર્સિટી અને શહેરની એક કોલેજમાં પાસપોર્ટ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા અને અન્ય સંબંધિત બાબતો વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે ‘સ્ટુડન્ટ કનેક્ટ પ્રોગ્રામ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
પાસપોર્ટ માટે મોબાઈલ કેમ્પનું આયોજન
લગભગ 25,000 અરજદારોએ સોમવાર, બુધવાર અને શુક્રવારે રૂબરૂ મુલાકાત લઈને પૂછપરછ કરી હતી. આ ઉપરાંત, RPO એ ઈમેલ અને સોશિયલ મીડિયા દ્વારા 3,000 થી વધુ ફરિયાદોનું નિરાકરણ કર્યું હતું. છેવાડાના વિસ્તારો સુધી સેવા પહોંચાડવા માટે ‘મોબાઇલ પાસપોર્ટ સેવા વાન’ કાર્યરત કરવામાં આવી હતી. અમદાવાદ કેન્ટોનમેન્ટ, ભુજ, પોરબંદર અને સાણંદમાં સેવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં ડિજીલોકર (DigiLocker) દ્વારા જારી કરાયેલા દસ્તાવેજોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.
કયા વર્ષે કેટલી પાસપોર્ટ અરજી મળી
| વર્ષ | અરજી મળી | અરજી મંજૂર |
| 2021 | 4.33 લાખ | 4.27 લાખ |
| 2022 | 6.43 લાખ | 6.24 લાખ |
| 2023 | 8.7 લાખ | 8.52 લાખ |
| 2024 | 7.93 લાખ | 8.12 લાખ |
| 2025 | 7.65 લાખ | 7.41 લાખ |
(Soure: RPO Ahmedabad)



