ગુજરાતીઓનો નેપાળથી થયો મોહભંગ, દિવાળીનું 80 ટકા બુકિંગ રદ

અમદાવાદઃ નેપાળમાં જેન-ઝીના પ્રદર્શનનોના કારણે ગુજરાતીઓને દિવાળીમાં નેપાળ ભરવા જવાનો મોહભંગ થયો હતો. આશરે 80 ટકા બુકિંગ કેન્સલ થયા છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતી પ્રવાસીઓમાં પ્રિય સ્થળ એવા નેપાળમાં છેલ્લા અઠવાડિયામાં 80 ટકાથી વધુ ટ્રિપ્સ રદ થઈ છે.
આ દેશોની વધી ડિમાન્ડ, ભારતમાં અહીં ફરવા જવા માંગે છે લોકો
સૂત્રોએ જણાવ્યું કે, પ્રવાસીઓ હવે અન્ય સુરક્ષિત સ્થળો વિશે પૂછપરછ કરી રહ્યા છે. નેપાળની ઘટના બાદ થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર અને દુબઈના ટૂર પેકેજો વિશે પૂછપરછમાં અચાનક વધારો થયો છે. યુવા પ્રવાસીઓ અને હનીમૂન કપલ્સ આ દેશોમાં તેમની ટ્રિપ્સને શિફ્ટ કરવા આતુર છે. વિવિધ ઘટનાઓ બાદ ઘણા ગુજરાતીઓ વિદેશ જવા નથી માંગતા, તેઓ ભારતમાં જ લોકપ્રિય સ્થળો શોધી રહ્યા છે. પરિણામે ગોવા, કેરળ અને રાજસ્થાન માટેની પૂછપરછમાં વધારો થયો છે. કુદરતી સૌંદર્ય, દરિયાકિનારા અને ઐતિહાસિક વારસો ધરાવતા આ સ્થળો સલામતીને લઈને ચિંતિત પ્રવાસીઓ માટે મુખ્ય પસંદગી બની રહ્યા છે.
જાપાનનો વધી રહ્યો છે ટ્રેન્ડ
સૂત્રોના કહેવા પ્રમાણે, નેપાળમાં થયેલી હિંસાને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે અને દિવાળીની ટ્રિપ્સનું આયોજન કરનારાઓ માટે પ્રવાસો મોંઘા થઈ રહ્યા છે. જાપાનમાં ચેરી બ્લોસમ્સ જોવા માટે પણ ગુજરાતીઓમાં ખૂબ ઉત્સાહ છે. નેપાળની હાલની બગડતી પરિસ્થિતિને કારણે, ઘણા પ્રવાસીઓ દિવાળી દરમિયાન જાપાનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે. જેમણે નેપાળના પ્રવાસો રદ કર્યા છે, તેઓ કુદરતી સૌંદર્ય, બેકવોટર્સ, દરિયાકિનારા અને આયુર્વેદિક ઉપચારને કારણે કેરળને તેમની પ્રથમ પ્રાથમિકતા તરીકે પસંદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં થયેલી હિંસા અને દેખાવોને કારણે નેપાળમાં એરપોર્ટ અને જાહેર પરિવહન સેવાઓ બંધ થઈ ગઈ હતી, જેના કારણે હજારો વિદેશી પ્રવાસીઓ ફસાયા હતા. અમદાવાદ સહિત ગુજરાતના 500થી વધુ પ્રવાસીઓને ખાસ વ્યવસ્થા દ્વારા સુરક્ષિત રીતે પાછા લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…વોર ઇફેક્ટ? ઉનાળુ વેકેશનની સિઝન “ધોવાઈ” પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો, બુકિંગ થઈ રહ્યા છે રદ્દ!