Top Newsઅમદાવાદઇન્ટરનેશનલ

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટને મદદ કરવા બદલ પાટીદાર ઉદ્યોગપતિને 3 વર્ષની સજા, કેટલો ફટકાર્યો દંડ

અમદાવાદ/વર્જિનિયાઃ ગુજરાતથી અમેરિકા ગયેલા ઘણા લોકોને નોકરીના ફાંફા પડતા હોય છે. આવા સમયે કોઈ ગુજરાતી તેમની મદદ કરીને નોકરી અપાવતા હોય છે. જોકે અમેરિકમાં આમ કરવું એક ગુજરાતીને મોંઘું પડ્યું છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટને મદદ કરવા બદલ પાટીદાર ઉદ્યોગપતિને 3 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમજ 10 હજાર ડોલરનો દંડ કર્યો હતો.

મળતી વિગત પ્રમાણે, ઇમિગ્રેશન ફ્રોડની તપાસ તરીકે શરૂ થયેલા એક કેસે ગુજરાતી ઉદ્યોગપતિને સકંજામાં લીધો હતો. તેણે જાણીજોઈને અમેરિકાના રોજગાર કાયદાઓ તોડ્યા હોવાની કબૂલાત કરી હતી. વેસ્ટ વર્જિનિયામાં રહેતા ગુજરાતી મૂળના વ્યક્તિને ત્રણ વર્ષની ફેડરલ પ્રોબેશન અને $10,000 (આશરે 8.30 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રોસિક્યુટર્સે સાબિત કર્યું કે તેણે માત્ર ગેરકાયદેસર ઇમિગ્રન્ટને નોકરી જ નહોતી આપી, પરંતુ રહેવાસી સપોર્ટથી લઈને રોકડ ચુકવણી સુધીની મદદ કરી હતી.

સમગ્ર મામલો શું છે?

ગ્રીનબ્રાયર કાઉન્ટીના રોન્સવર્ટમાં રહેતા 51 વર્ષીય રાજેશ પટેલે, 30 વર્ષીય આકાશ મકવાણાને નોકરીએ રાખવા અને તેને મદદ કરવા બદલ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. આકાશ મકવાણા ગુજરાતનો વતની છે અને તેના અમેરિકાના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તે ત્યાં રોકાયો હતો. બેકલીમાં ફેડરલ પ્રોસિક્યુટર્સે 9 જાન્યુઆરીએ આ સજાની જાહેરાત કરી હતી.

કોર્ટના દસ્તાવેજો મુજબ, મકવાણાએ નવેમ્બર 2020 થી સપ્ટેમ્બર 2024 સુધી ફેરલીયામાં પટેલની માલિકીના વ્યવસાયમાં કામ કર્યું હતું. પટેલે સ્વીકાર્યું કે મકવાણાના વિઝા પૂરા થઈ ગયા હતા અને તે ગેરકાયદેસર રીતે દેશમાં રહી રહ્યો છે તે જાણતા હોવા છતાં તેમણે તેને નોકરી પર રાખવાનું ચાલુ રાખ્યું હતું.

માત્ર નોકરી જ નહીં, અન્ય સવલતો પણ આપી

તપાસકર્તાઓએ જણાવ્યું કે પટેલની ભૂમિકા માત્ર નોકરી આપવા પૂરતી મર્યાદિત નહોતી. મકવાણા પાસે પોતાનું વાહન ન હોવાથી, પટેલ તેને નિયમિતપણે કામ પર લઈ જતા અને લેવા આવતા હતા. તેમણે મકવાણાનું ભાડું પણ ચૂકવ્યું હતું અને મોટાભાગના સમય માટે કરિયાણું પણ પૂરું પાડ્યું હતું. પ્રોસિક્યુટર્સે વધુમાં જણાવ્યું કે પટેલે મકવાણાના પગાર પરના ટેક્સની ચોરી કરવા માટે તેને હિસાબ વિના રોકડેથી પગાર ચૂકવ્યો હતો.

કેવી રીતે પ્રકાશમાં આવ્યો કેસ

મકવાણાની અન્ય એક ઇમિગ્રેશન ફ્રોડ તપાસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે આ સમગ્ર કેસ પ્રકાશમાં આવ્યો હતો. 8 ઓક્ટોબર, 2025 ના રોજ, મકવાણાને ઓળખની ચોરી ના ગુનામાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટ રેકોર્ડ મુજબ, મકવાણાએ ગ્રીન કાર્ડ મેળવવા માટે એક અમેરિકન નાગરિક સાથે છેતરપિંડીથી લગ્ન કર્યા હતા. આ કાવતરાના ભાગરૂપે, તેણે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા અને પોતાની ઇમિગ્રેશન અરજી મજબૂત કરવા માટે ઘરેલું હિંસાનો ખોટો દાવો પણ કર્યો હતો. જેલની સજા પૂરી થયા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.

પત્ની પણ ગુનામાં સામેલ

રાજેશ પટેલે કબૂલાત કરી હતી કે તેઓ લગ્ન સંબંધિત આ છેતરપિંડીના કાવતરાથી વાકેફ હતા અને તેમણે મકવાણાના સાથીદારોને રોકડ ચૂકવણી કરીને તેમાં મદદ કરી હતી. મકવાણા સાથે લગ્ન કરનાર ઈલિનોઈસની મહિલા અને આ નકલી લગ્ન ગોઠવનાર તેના જીજાજી જોસેફ સાંચેઝને પણ 5 વર્ષની પ્રોબેશનની સજા થઈ શકે છે.

રાજેશ પટેલની પત્નીએ પણ આ કેસમાં પોતાનો ગુનો સ્વીકાર્યો છે. તેણે ગેરકાયદેસર રીતે વિદેશી નાગરિકને નોકરી પર રાખવાનો ગુનો કબૂલ્યો છે અને તેને પણ ટૂંક સમયાં સજા સંભળાવવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button