VIDEO: પદ્મશ્રી સન્માનિત થવા પર ગુજરાતી આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ શું કહ્યું?
અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર 2025 ના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણ, પંકજ પટેલને પદ્મ ભૂષણ તો અન્ય 6 મહાનુભાવોને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રીથી નવાજવામાં આવશે.
આ પણ વાંચો : તુષાર શુક્લ, પંકજ ઉધાસ, કુમુદિની લાખિયા સહિત 9 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર
શું કહ્યું ચંદ્રકાંત સોમપુરાએ?
પદ્મશ્રીથી સન્માનિત થવા પર આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ કહ્યું, જ્યારે તમને ભારત સરકાર તરફથી એવોર્ડ મળે છે, ત્યારે તે ખૂબ જ ખાસ હોય છે. મારા દાદા પ્રભાશંકર ઓધડભાઈ સોમપુરાએ પુનર્જીવિત સોમનાથ મંદિરની ડિઝાઇન બનાવી હતી અને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને હવે મને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યો છે. મને ખૂબ સારું લાગે છે.અમે પેઢીઓથી મંદિરોની રચના કરી રહ્યા છીએ. મને લાગે છે કે અમે 40 વર્ષ પહેલા અયોધ્યાનું કામ શરૂ કર્યું હતું અને ત્યાંથી આજ સુધીની સફર ઘણી લાંબી છે. મેં અક્ષરધામ, અમેરિકામાં સ્થિત મંદિરો, બેંગકોક, સિંગાપોર જેવા ઘણા મોટા મંદિરોની રચના કરી છે. રામ મંદિરની રચના મારા માટે ખાસ છે.
કોણ છે ચંદ્રકાંત સોમપુરા?
ચંદ્રકાંત સોમપુરા દેશના જાણીતા મંદિર આર્કિટેક્ટ છે. તેમણે ભૂતકાળમાં અક્ષરધામ મંદિરનો નક્શો પણ બનાવ્યો છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ રામ મંદિરનું મોડેલ અયોધ્યાના કાર્યસેવકપુરમમાં રાખવામાં આવ્યું હતું. તેમના મોડલ પ્રમાણે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદના ચંદ્રકાંતભાઈ આવા જ એક પરિવારના છે. જેમની પાસે પરંપરાગત ભારતીય નાગારા શૈલીના મંદિરો ડિઝાઇન કરવામાં નિપુણતા છે. તેમના દાદા પ્રભાશંકર સોમપુરા ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના આર્કિટેક્ટ હતા. ચંદ્રકાંત સોમપુરાના પિતા પણ દેશના જાણીતા આર્કિટેક્ટ હતા.
આ પણ વાંચો : અમદાવાદીઓનો પિઝામાંથી રસ ઉડ્યો! 10 મહિનામાં 100 પિઝા આઉટલેટ્સ બંધ થયા
તેમણે ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરની ડિઝાઈન બનાવી હતી. દેશના પ્રખ્યાત મંદિરોના નિર્માણમાં ચંદ્રકાંતભાઈના પરિવારની ત્રીજી અને ચોથી પેઢીનું યોગદાન છે. ચંદ્રકાંત સોમપુરા તેમના પુત્ર આશિષ સાથે મળીને અત્યાર સુધીમાં દેશના 131 મંદિરોના નકશા બનાવી ચૂક્યા છે. જેમાં સ્વામી નારાયણ મંદિર ગાંધીનગર, અંબાજી મંદિર પાલનપુરનો પણ સમાવેશ થાય છે. ચંદ્રકાંત સોમપુરાને 1997માં શ્રેષ્ઠ આર્કિટેક્ટ જાહેર કરવામાં આવ્યા હતા. લંડનમાં તેમના દ્વારા બનાવવામાં આવેલ અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરનો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.