મહિલાઓને સ્વાવલંબી બનાવવા ગુજરાત સરકારની યોજના જાણો, બે લાખ સુધીની લોન પણ આપે છે
![Gujarat women becomes aatma nirbhar govt offers Rs 2 lakh loan](/wp-content/uploads/2025/02/gujarat-women.webp)
અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓને આર્થિકરીતે પગભર બનાવવા સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના (mahila swavalamban yojana) અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨ લાખ સુધીની બેંક લોન આપવામાં આવે છે.
આ વ્યવસાયો માટે આપે છે લોન
મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના નારીશક્તિને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી આપવાનું એક સરાહનીય પગલું છે. આ યોજના અંતર્ગત પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી મહિલાઓને બ્યૂટી પાર્લર, દરજીકામ, અગરબત્તી તમામ પ્રકારના મસાલા, ભરતગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત ૩૦૭ જેટલા વ્યવસાયો માટે રૂ. ૨ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા શું છે વય મર્યાદા
રાજ્યની ૧૮ થી ૬૫ વર્ષની ઉંમરની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનામાં સબસિડીનું ધોરણ કેટેગરી મુજબ નક્કી કરવામાં આવે છે. જેમાં જનરલ કેટેગરીની મહિલા માટે પ્રોજેક્ટ કોસ્ટના 30 ટકા અથવા મહત્તમ રૂ. ૬૦,૦૦૦ અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે ૩૦ ટકા અથવા રૂ. ૫૦,૦૦૦ તેમજ વિધવા મહિલા તથા ૪૦ ટકા થી વધુ દિવ્યાંગતા ધરાવતી મહિલાઓને ૪૦ ટકા અથવા રૂ. ૮૦,૦૦૦ બંને માંથી જે ઓછું હોય તેટલી સબસિડી મળવાપાત્ર છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સ્કૂલોમાં મોબાઈલ પ્રતિબંધ માટેની માર્ગદર્શિકા થઈ તૈયાર, થોડા દિવસમાં થશે જાહેર
કેટલી આવક ધરાવતાં લોકો કરી શકે છે અરજી
આ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ સુધીની હોય તેવી કોઈપણ મહિલા અરજી કરી શકે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે જરૂરિયાત મુજબની સહાય આપવાનો છે.