દાહોદ નવ ડિગ્રી સાથે ઠુંઠવાયું, ગુજરાતમાં શિયાળાની સિઝન ફુલીફાલી

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો જાય છે. સામાન્ય રીતે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી વધુ ઠંડુગાર મથક હોય છે, પરંતુ છેલ્લા બે દિવસ દાહોદમાં સૌથી વધુ ઠંડી પડે છે. મંગળવારે દાહોદમાં 9.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે દોહાદ રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું.
દાહોદ બાદ ડાંગ અને નલિયામાં અનુક્રમે 10.7 અને 10.5 તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમા અમરેલીમાં 11.6, રાજકોટમાં 12.1 તાપમાન નોંધાયું હતું. જોકે ગુજરાતના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 12થી 18 વચ્ચે રહ્યો હતો જ્યારે મહત્તમ તાપમાન 28થી 30 ડિગ્રી આસપાસ રહ્યું હતું. અમદાવાદનું તાપમાન 13.5, વડોદરા 12.6, ભુજ 14.3 ડિગ્રીએ ઠર્યું હતું.
આપણ વાચો: Gujarat Weather: વરસાદ ગયો, હવે ઠંડીનો માહોલ? જાણો દિવાળી ટાણે હવામાન વિભાગે શું કરી આગાહી?
જ્યારે સુરતમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે સૌરાષ્ટ્રના ઓખામાં સૌથી વધુ 21 ડિગ્રી નોંધાયું હતું. ઠંડી વધવાની સાથે શહેરોમાં હવાની ગુણવત્તા પણ ખરાબ થતી જાય છે અને પ્રદૂષણનું પ્રમાણે વધી રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આ સાથે હજુ મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરોમાં બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. વહેલી સવાર અને મોડી સાંજથી ઠંડો પવન અને ઠંડી શરૂ થાય છે, જે સવાર સુધી અનુભવાય છે.



