ઉત્તરાયણ સુધી ગુજરાત બનશે ટાઢુબોળ; આજથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત
અમદાવાદઃ રાજયભરમાં આજથી ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રોમાં હિમ વર્ષા બાદ હવે ઠંડા પવનોના કારણે ગુજરાતના હવામાનમાં તેની અસર જોવા મળશે.
જાન્યુઆરી માસમાં ઠંડી વધશે
હવામાન વિભાગની આગાહી અનુસાર જાન્યુઆરી માસમાં ગુજરાત ઠંડુગાર બનશે. આજથી જ ગુજરાતમાં ઠંડીના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને જેના કારણે ૨૪ કલાકની અંદર જ રાજ્યના તાપમાનમાં જ ફેરફાર નોંધાયો છે. બીજા રાઉન્ડના પ્રારંભે જ સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળ બન્યા છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો નોંધાયો છે.
નલિયામાં 8 ડિગ્રી તાપમાન
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આકંડા મુજબ નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે. જ્યારે કેશોદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, અમદાવાદમાં 15 ડિગ્રી,પોરબંદરમાં 15 ડિગ્રી, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે, આજથી બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે માટે આગામી સમયમાં પણ ઠંડીનો ચમકારો હજી વધી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો…ચાંગોદરમાં ચાલતા કોલ સેન્ટર પર SMCના દરોડાઃ પાંચ આરોપી ઝડપાયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની આગાહી
સમગ્ર કાશ્મીરમાં ચાલુ સપ્તાહમાં ફરીથી બરફ વર્ષા થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાતિ સુધી ઠંડીમાં વધારો થઈ શકે છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કૉલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.