Gujarat માં પહેલી માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરાશે, 214 કેન્દ્રો ખરીદ કેન્દ્રો ઉભા કરાયા
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2425 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તા 13 જાન્યુઆરી 2025ની સ્થિતિએ રાજ્યભરમાંથી 33,863 ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે.
આ પણ વાંચો: GOOD NEWS: દેશમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં થયો વધારો પણ તેલીબિયામાં ઘટાડો…
કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે
જેમાં આગામી તા. 01 માર્ચ 2025થી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેની માટે રાજ્ય સરકારે 194 ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે 20 નવા ખરીદ કેન્દ્રો એમ કુલ 214 ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત
આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.
બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી.તેમજ નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઈન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.