
અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનો માહોલ જામતો દેખાઈ રહ્યો છે. બેક દિવસ ન્યૂનતમ તાપમાનમાં નોંધાયેલા આંશિક ઘટાડા બાદ પુનઃ ઠંડીનું જોર વધતું દેખાઈ રહ્યું છે. કચ્છના નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો 10.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. અમરેલીમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 12.7 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનો પારો પહોંચી ગયો હતો.
છેલ્લા 24 કલાકના આંકડાઓની વાત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 13.3 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 15.1 ડિગ્રી સેલ્સિયસ, જામનગર અને વડોદરામાં 14 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 14.5 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 15.8 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 16.4 ડિગ્રી સેલ્સિયસ અને દ્વારકામાં 19.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જેના કારણે લોકોને ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું કે નોંધપાત્ર રીતે ઓછું જ્યારે ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું. બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. સમગ્ર પ્રદેશમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી સેલ્સિયસ નલિયા ખાતે નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં આગામી ૩ દિવસ દરમિયાન ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ક્રમશઃ વધારો થવાની સંભાવના છે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. આ સમયગાળા દરમિયાન, ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં સૂકું હવામાન રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો…અમદાવાદમાં ઠંડી વધતાં જ સાયનસ-માઈગ્રેનના કેસોમાં જોરદાર વધારો



