
અમદાવાદ: ગુજરાતમાં દેવ દિવાળી બાદ લગ્નસરાની સિઝન શરૂ થઈ છે, ત્યારે આ દરમિયાન ઠંડીએ પણ અસર વર્તાવી છે. છેલ્લા 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાડ થિજવતી ઠંડી પડી હતી. અમરેલી અને નલિયામાં તાપમાનનો પારો 13 ડિગ્રી સે. નોંધાયો હતો.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હાલ સૂકું હવામાન અનુભવાઈ રહ્યું છે. રાત્રિના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અને ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું નોંધાયું હતું, જ્યારે ગુજરાતના બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય રહ્યું હતું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભુજમાં મહત્તમ તાપમાન 33 ડિ. સે., નલિયા અને અમરેલીમાં 31 ડિ. સે., ભાવનગરમાં 30 ડિ. સે., રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 33 ડિ. સે., ઓખામાં 29 ડિ. સે., અમદાવાદ, ડીસા, ગાંધીનગર, સુરતમાં 32 ડિ. સે. તાપમાન નોંધાયું હતું.
જ્યારે ન્યૂનતમ તાપમાનમાં સૌથી નીચું તાપમાન અમરેલી અને નલિયામાં 13 ડિ. સે. નોંધાયું હતું. જ્યારે કેશોદમાં 14 ડિ. સે., વડોદરા, કંડલા, રાજકોટ અને ગાંધીનગરમાં 15 ડિ. સે., પોરબંદર, મહુવા અને ડીસામાં 16 ડિ. સે., ભાવનગર અને સુરેન્દ્રનગરમાં 18 ડિ. સે., જ્યારે અમદાવાદમાં 17 ડિ. સે. તાપમાન નોંધાયું હતું.’
આ પણ વાંચો…શિયાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં અંધારપટ, સ્ટ્રીટલાઇટ ફરિયાદમાં તોતિંગ ઉછાળો



