Top Newsઅમદાવાદ

ગુજરાતમાં ઠંડી થશે ગાયબ? ‘કોલ્ડ સિટી’ નલિયામાં પણ ગરમીની એન્ટ્રી, તાપમાન 2-3 ડિગ્રી વધશે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મિશ્ર આબોહવા જોવા મળી છે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા બપોરના સમયે ગરમીનો અહેસાસ થયો હતો. રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં હજુ પણ ૧ થી ૨ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો માહોલ યથાવત રહેશે, કારણ કે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેવાની શક્યતા છે.

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના તાપમાનમાં પણ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. અમરેલી અને ભાવનગરમાં ન્યૂનતમ તાપમાન ૧૭ થી ૧૮ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં પારો ૧૭.૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. સરહદી જિલ્લા કચ્છના ભુજમાં ૧૬.૮ ડિગ્રી અને દ્વારકામાં ૧૯.૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમાનમાં સાધારણ ફેરફાર થશે, પરંતુ દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.

રાજ્યના ‘કોલ્ડ સિટી’ તરીકે જાણીતા નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે, જ્યાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, અહીં પણ હવે તાપમાનનો પારો ઊંચકાવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી પાંચ દિવસમાં નલિયામાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે, જ્યારે ન્યૂનતમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે. આમ, સમગ્ર રાજ્યમાં અત્યારે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ ‘ડબલ સીઝન’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ‘ડબલ સીઝન’નો પંજો: વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો પારો 30ને પાર!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button