‘કોલ્ડપ્લે’ ચાલી ગયું પણ ‘કોલ્ડવેવ’ નહીંઃ ગુજરાતમાં જાણો હવામાનના શું હાલ છે?

અમદાવાદ: મુંબઈ પછી અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો, તેમાંય જાન્યુઆરીના અંતમાં શિયાળો વિદાય થઈ રહ્યો હોય એમ મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે આ વખતે જાણે કોલ્ડવેવ ગાયબ રહ્યો અનુભવાય છે.
ગુજરાતમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઇ રહ્યો છે. દિવસે દિવસે તાપમાનમાં વધારો નોંધાતો જઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે, એમ આઈએમડીએ જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, કુલ્લુ-મનાલી, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
નવેમ્બરથી જાન્યુઆરી સુધીમાં કોઈ કોલ્ડવેવ નહીં
આઈએમડીના અહેવાલ મુજબ ગુજરાતમાં આ શિયાળામાં એક પણ વાર કોલ્ડ વેવની અસર જોવા મળી નથી, જ્યારે સામાન્ય રીતે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે એક કે બે વાર કોલ્ડ વેવની અસર જોવા મળતી હોય છે. મંગળવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, અને સૌથી વધુ તાપમાન રાજકોટમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાત આઈએમડીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે નવેમ્બરથી જાન્યુઆરી સુધી આ વખતે રાજ્યમાં કોઈ કોલ્ડ વેવની અસર નોંધાઈ નથી.
આ પણ વાંચો : શિક્ષક કે શેતાન: અમદાવાદમાં વિદ્યાર્થિનીને ભોળવીને આચર્યું દુષ્કર્મ અને પછી કરી હદ પાર
નલિયામાં રહ્યું સૌથી નીચું તાપમાન
માત્ર કચ્છના નલિયામાં સતત ઓછું તાપમાન 10 ઔંશ સેલ્સિયસથી નીચે જોવા મળ્યું છે. IMD અનુસાર જ્યારે તાપમાન ઓછું હોય અને તે સામાન્ય તાપમાન કરતાં 4.5 ડિગ્રીથી 6.4 ડિગ્રી ઓછું હોય ત્યારે મેદાની એરિયામાં કોલ્ડવેવની અસર નોંધવામાં આવે છે. જો તાપમાન 6.4 ડિગ્રીથી વધુ હોય છે તો તેને તીવ્ર કોલ્ડવેવ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ શહેરમાં 19 જાન્યુઆરીના રોજ સૌથી ઓછું તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં 5.6 ડિગ્રી વધુ હતું. જ્યારે શહેરમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સામાન્ય તાપમાન કરતાં 1.4 ડિગ્રી અને 2.2 ડિગ્રી તાપમાન વધુ નોંધાયું હતું.