
અમદાવાદ: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદના હાલના નવા દિવસોમાં હવામાનમાં વહેલી સવાર ઠંડીનો ચમકારો દેખા દઈ રહ્યો છે. પરંતુ સમગ્ર દિવસ દરમિયાન ઓકટોબર હીટ અકળાવી રહી છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 34° સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, તો રાત્રિના સમયે તાપમાનમાં ઘણો ફેરફાર દેખાય છે, કારણ કે રાત્રિના સમયે તાપમાનનો પારો 21.0° સેલ્સિયસ નોંધાયો હતો.
આ દરમિયાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હાલમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું છે. દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી, પરંતુ આ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું છે. તેમજ આગામી દિવસોમાં પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવા સંકેતો દેખાતા નથી અને આગામી દિવસોમાં પણ હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.
મુખ્ય તાપમાનની વિગતો
છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાન અનેક સ્થળોએ સૌથી વધુ ૩૪° સેલ્સિયસ નોંધાયું હતું. જેમાં ભુજ: ૩૪° સે., અમદાવાદ: ૩૪° સે., સુરત: ૩૪° સે., રાજકોટ: ૩૪° સે. અને વડોદરા: ૩૩° સે. નોંધાયું હતું. જ્યારે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો પ્રદેશમાં સૌથી ઓછું તાપમાન ૨૦° સેલ્સિયસ નોંધાયું હતું. જેમાં વડોદરા: ૨૦° સે., અમદાવાદ: ૨૧° સે., રાજકોટ: ૨૧° સે., ભુજ: ૨૨° સે. અને સુરત: ૨૨° સે. નોંધાયું હતું. કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે ઓછું રહ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું, જેના કારણે રાત્રે ઠંડકનો અનુભવ થયો હતો.
આગામી ૭ દિવસનું પૂર્વાનુમાન
આગામી ૭ દિવસો દરમિયાન મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. એટલે કે, હાલ જેવું વાતાવરણ છે તેવું જ વાતાવરણ આગામી સપ્તાહ સુધી જળવાઈ રહેવાની આગાહી છે.
આ પણ વાંચો…Gujarat Weather: વરસાદ ગયો, હવે ઠંડીનો માહોલ? જાણો દિવાળી ટાણે હવામાન વિભાગે શું કરી આગાહી?