અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજયમાં હજી બે દિવસ ઠંડીનો માહોલ રહેશે. ત્યાર બાદ આગામી દિવસોમાં દિવસ દરમિયાન થોડી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગતરોજ નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં આગામી 24 કલાકમાં એટલે રવિવાર સુધી બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આ પછી આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ ન હોવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આકંડા મુજબ શુક્રવારે ગુજરાતમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાનમાં નલિયામાં 6 ડિગ્રી અને કંડલામાં 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજ, રાજકોટ, કેશોદ, ડિસામાં લઘુતમ તાપમાન 11-11 ડિગ્રી નોંધાયુ હતું. તેમજ ગાંધીનગરમાં 12 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તાપામાન નોંધાયુ હતું. જ્યારે રાજ્યના અન્ય 14 શહેરોમા લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી 18 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. ઉત્તર ભારતમાં બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આજે શનિવારે હવામાન યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવામાં આવી છે.
આ પણ વાંચો…ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી ઝડપ્યો, થશે અનેક ખુલાસા
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18 થી 20 જાન્યુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાન ઓછું રહી શકે છે, જેથી ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત સુધી વારંવાર હવામાનમાં પલટો આવશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે દક્ષિણ ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે.