નવા વર્ષના પ્રારંભે હવામાનમાં મિશ્ર માહોલ: દક્ષિણ ગુજરાતમાં માવઠું, સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતના ગાળે હવામાનમાં મિશ્ર પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ-દીવમાં હવામાન સૂકું રહ્યું હતું.
જો કે તાજેતરમાં દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી, જોકે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં તાપમાન સામાન્યથી ઓછું રહ્યું હતું, જ્યારે દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તે સામાન્ય કરતાં વધુથી ઘણું વધુ નોંધાયું હતું. રાત્રિના તાપમાનમાં પણ ખાસ ફેરફાર નહોતો, પરંતુ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તે સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું.
આપણ વાંચો: દિવાળી પછી ગુજરાતમાં માવઠાની આગાહી: ખેડૂતોની ચિંતા વધારતા હવામાન વિભાગના સંકેતો…
રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ વેરાવળ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ડીસા ખાતે નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નલિયા ખાતે નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં, અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 સે., રાજકોટમાં 37 સે. અને 22 સે., સુરતમાં 36 સે. અને 27 સે. અને વડોદરામાં 35 સે. અને 24 સે. નોંધાયું હતું.