અગાઉ ભાજપના શાસનમાં પણ આવું ગુજરાત નહોતુંઃ મેવાણીએ સીએમ પર તાક્યું નિશાન

અમદાવાદઃ કૉંગ્રેસનું બેદિવસીય મહાઅધિવેશન આજથી અમદાવાદમાં શરૂ થયું છે. આજે રાષ્ટ્રીય કૉંગ્રેસના આલા નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના આલા નેતાઓ હાજર રહ્યા હતા.
આ દરમિયાન મુંબઈ સમાચાર સાથેની વાતચીતમાં કૉંગ્રેસના વિધાનસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની નેતાગિરી સામે સવાલ ઉઠાવ્યા હતા. મેવાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં નકલી ટોલનાકું, નકલી પોલી અધિકારી, નકલી કોર્ટ, નકલી જજ પકડાયા હોય તેવી ઘટનાઓ રોજ પ્રકાશમાં આવે છે. આ આપણું ગુજરાત નથી. આવું શાસન આપણે નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ કે વિજય રૂપાણીના શાસન દરમિયાન જોયું નથી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં હજારો કરોડોનું ડ્રગ્સ પકડાય છે. ગોવા, તમીલનાડુ, મહારાષ્ટ્રમાં પણ દરિયા કિનારો છે, પરંતુ ગુજરાતનો દરિયાકિનારો કેમ આટલા અસુરક્ષિત છે કે અહીં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.
આપણ વાંચો: ‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’ અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન
રાહુલ ગાંધીના હૃદયની વાત હોઠે આવી
થોડા સમય પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ પક્ષમાં રહીને પક્ષનું નુકસાન કરતા નેતાઓને ચીમકી આપી હતી ત્યારે જીજ્ઞેશ મેવાણીએ આ મામલે જણાવ્યું કે જે વાત બધા ગણગણતા હતા તે રાહુલ ગાંધીએ જાહેરમાં કહી દીધી. તેમના અને અમારા બધાના હૃદયની વાત હોઠે આવી ગઈ. જે લોકો કૉંગ્રેસમાં રહી પક્ષને નુકસાન કરવાની પ્રવૃત્તિ કરે છે તેમનું પક્ષમાં સ્થાન નથી.