ગુજરાત યુનિવર્સિટીમાં એકસાથે બે ડિગ્રી કોર્સ કરી શકાશે, આગામી શૈક્ષણિક સત્રથી અમલ…

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડ્યૂઅલ ડિગ્રીની અમલવારી શરૂ થવા જઈ રહી છે. યુનિવર્સિટીના સેનેટ હોલમાં કુલપતિની વિભાગના વડાઓ સાથેની બેઠક મળી હતી. આ બેઠકમાં ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવો અને એના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સ સાથે 3 વર્ષ સુધીની અન્ય ડિગ્રીનો કોર્સ પણ ભણી શકશે.
Also read : World Obesity Day: જાણો… ગુજરાતના લોકોમાં કેટલું છે મેદસ્વિતાનું પ્રમાણ
વિદ્યાર્થીઓને બંને કોર્સની પરીક્ષાઓ આપી શકશે
નવી શૈક્ષણિક નીતિ હેઠળ ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક વર્ષ 2025-26થી ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહી છે. ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામમાં અલગ અલગ 25 જેટલી ડિગ્રીનો અભ્યાસ કરી શકાશે. વિદ્યાર્થીઓ સામાન્ય કોર્સ બીએ, બી કોમ, બીએસસી સાથે સાથે ત્રણ વર્ષ સુધીનો ડ્યૂઅલ ડિગ્રીનો અલગ અલગ 25 જેટલા કોર્સનો અભ્યાસ પણ કરી શકશે. આ તમામ કોર્સ ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં જ ચાલુ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને બંને કોર્સની પરીક્ષાઓ આપી શકશે.
એક્ઝામ કેલેન્ડરને ધ્યાને રાખીને પરીક્ષા યોજવામાં આવશે
આ અંગે કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ યુજીના કોર્સ સાથે 3 વર્ષનો ડ્યૂઅલ ડિગ્રીનો કોર્સ કરી શકશે. 25 જેટલા અલગ અલગ કોર્સ જાહેર કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થી ત્રણ વર્ષના કોર્સ કરવા ના ઈચ્છતો હોય તો ડિપ્લોમા પણ કરી શકશે. જે વિદ્યાર્થીઓ પીજીનો અભ્યાસ કરતા હોય તેઓ સાથે યુજીનો પણ અભ્યાસ કરી શકશે. તમામ કોર્સ યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલશે જેથી એક્ઝામ કેલેન્ડરને ધ્યાને રાખીને પરીક્ષા યોજવામાં આવશે.