ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત 1036 સારવાર કેન્દ્રો ઉભા કરાયા

અમદાવાદ : ગુજરાતમાં ઉત્તરાયણમાં પર્વ દરમિયાન કરુણા અભિયાન-2026 અંતર્ગત 728 થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8620થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. રાજ્યભરમાં કુલ 1036 થી વધુ સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં પશુ દવાખાના, વેટરનરી પોલિક્લિનિક તેમજ શાખા પશુ દવાખાના ઉપરાંત ફરતાં પશુ દવાખાના અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વૉટર બર્ડ્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.
વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની
આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી. સિંઘે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલનારા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની રહી છે.
ગત વર્ષે 12,771 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા
ગત વર્ષ 2025 માં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 12,771 થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા. જ્યારે, છેલ્લાં નવ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1,12,951 જેટલાં પશુ-પક્ષીઓને રેસ્ક્યૂ કરાયાં છે. જે પૈકીના 1,03,874 જેટલાં પશુ-પક્ષીઓને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયાં છે. ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે 10 મી જાન્યુઆરીથી 20 મી જાન્યુઆરી- ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી કરુણા અભિયાન યોજાઈ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2017 થી શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમિયાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે.
વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન જાહેર
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે. જે 24*7 કાર્યરત રહેશે. આ વોટ્સઅપ નંબર પર “Hi” મેસેજ કરવાથી એક લિંક મળશે, તેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત, પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર પણ સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.



