ગુજરાતમાં નેટવર્ક ઉભું કરવા આવેલા રવિ ગોદારા ગેંગના બે આરોપી ઝડપાયા…

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રવિ ગોદારા ગેંગના બે સાગરિતોની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ ગુજરાતમાં ગેંગના ગુનાહિત નેટવર્કને સ્થાપિત કરવાની વેતરણમાં હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાત કલાક લાબું ઓપરેશન ચલાવીને બંને આરોપીને અમદાવાદ શહેરના વેજલપુર-વાસણા રોડ પરથી ઝડપી પાડ્યા હતા. આ આરોપીને ઝડપીને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
બંને આરોપી કોટાના નિવાસી
આ સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડાયેલા આરોપીઓનું નામ અમન ઉર્ફે બચ્ચા (એહસાન અલી સૈયદ) છે. જે કોટાના બકરા મંડીનો છે જ્યારે બીજો સુહેબ ઉર્ફે ચીંટુ (ફિરોઝ ખાન પઠાણ) છે જે કોટાના પાટણપોળનો રહેવાસી છે. આ બંને શખ્સો વિશે ગુપ્ત માહિતી મળી હતી કે આ બંને રોહિત ગોદારા સાથે સંકળાયેલા એક મોટા સંગઠિત ગુનાહિત નેટવર્કના સાગરિતો સાથે જોડાયેલા હતા. જેનું નામ રાજસ્થાનમાં ખંડણી અને ધમકીના અનેક કેસોમાં નોંધાયેલું છે.
લાંબુ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું
આ બંને આરોપીને ઝડપવા માટે લાંબુ ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું. સતત પીછો કર્યા બાદ શંકાસ્પદોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને અમદાવાદમાં કોઈ ગુનો કરે તે પહેલાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રાજસ્થાન પોલીસના સતત સંપર્કમાં છે. ગુજરાતમાં કાયદાકીય ઔપાચરિકતા પૂર્ણ થયા બાદ આરોપીઓને વધુ તપાસ અને કાર્યવાહી અર્થે કોટા પોલીસને સોંપવામાં આવશે.
બંને આરોપીઓ સામે 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા
પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓ સામે ખંડણી, ટાર્ગેટ કિલિંગ, હત્યાનો પ્રયાસ સહિતના 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજસ્થાનમાં તેમના નેટવર્કને ગુનાઇત કૃત્યો આચરવામાં મુશ્કેલી પડતા ગુજરાતમાં પોતાનું નેટવર્ક સ્થાપિત કરવા આવ્યા હતા. તેમણે એક કાર પણ મેળવી હતી. સ્થાનિક હેન્ડલરોની સંડોવણીની શક્યતા છે. પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓ ક્યાં રોકાયા હતા અને અહીં કોને મળવા આવ્યા હતા. અમન બચ્ચા સામે અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયા હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું. રાજસ્થાન પોલીસે અગાઉ ગોદારા નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ સિન્ડિકેટ સાથે જોડાયેલી ગેંગ સામે અનેક ઓપરેશનો હાથ ધર્યા છે, જે આંતર-રાજ્ય ખંડણી અને હિંસક ગુનાઓ માટે વ્યાપક તપાસ હેઠળ છે.



