શિક્ષક બનવું લોઢાના ચણા ચાવવા સમાન: TET-I માં ૯૧ હજારમાંથી માત્ર ૧૧ હજાર પાસ

અમદાવાદ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક યોગ્યતા કસોટી (TET-I)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે એકંદરે ખૂબ જ નબળું રહ્યું છે. પરીક્ષા માટે કુલ ૧,૦૧,૫૨૫ ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી ૯૧,૬૨૮ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.
જાહેર થયેલા પરિણામ અનુસાર, હાજર રહેલા ઉમેદવારોમાંથી માત્ર ૧૧,૦૨૭ ઉમેદવારો જ નિયત મેરિટમાં સ્થાન મેળવીને ક્વોલિફાય થઈ શક્યા છે. આમ, રાજ્યનું એકંદર પરિણામ માત્ર ૧૨.૦૩ ટકા રહ્યું છે, જ્યારે ૮૦,૬૦૨ ઉમેદવારો આ પરીક્ષામાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહ્યા છે.
આપણ વાચો: Bihar ના કરાર આધારિત શિક્ષકોના કેસમાં સુપ્રિમ કોર્ટની આકરી ટિપ્પણી, કહી આ વાત
માધ્યમવાર પરિણામ પર નજર કરીએ તો, ગુજરાતી માધ્યમના ઉમેદવારોનું પ્રદર્શન અન્ય માધ્યમોની સરખામણીએ સારું રહ્યું છે. ગુજરાતી માધ્યમમાં ૮૮,૬૫૯ ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી ૧૦,૮૨૫ પાસ થતા સૌથી વધુ ૧૨.૨૧ ટકા પરિણામ આવ્યું છે.
બીજી તરફ, અંગ્રેજી માધ્યમનું પરિણામ ૮.૯૦ ટકા રહ્યું છે, જેમાં ૧૧૦૧માંથી માત્ર ૯૮ ઉમેદવારો સફળ થયા છે. હિન્દી માધ્યમમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં ૧૮૬૮ ઉમેદવારોમાંથી માત્ર ૧૦૪ ઉમેદવારો જ પાસ થતા સૌથી ઓછું ૫.૫૭ ટકા પરિણામ નોંધાયું છે.
ઉમેદવારોએ મેળવેલા ગુણના આંકડા જોઈએ તો સ્પર્ધા કેટલી કઠિન રહી છે તેનો ખ્યાલ આવે છે. ૧૪૧ થી ૧૫૦ ગુણની શ્રેણીમાં સમગ્ર રાજ્યમાંથી ગુજરાતી માધ્યમનો માત્ર ૧ જ ઉમેદવાર સ્થાન મેળવી શક્યો છે.
જ્યારે ૧૨૧ થી ૧૪૦ની રેન્જમાં માત્ર ૩ જ ઉમેદવારો છે. સૌથી વધુ ઉમેદવારો એટલે કે ૪૩,૧૩૬ ઉમેદવારો ૬૦ થી ૮૧ ગુણની વચ્ચે અટકી ગયા છે, જ્યારે ૩૩,૮૨૬ ઉમેદવારોને ૪૦ થી ૫૯ ગુણ મળ્યા છે. આ આંકડા દર્શાવે છે કે મોટાભાગના ઉમેદવારો પાસિંગ માર્કસની નજીક પહોંચવામાં સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.



