ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક ચૂંટણીઓ પર SIRની અસરનો અભ્યાસ કરશે

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા આજથી ગુજરાતમાં ખાસ સઘન સુધારણાનો આરંભ થશે. 4 ડિસેમ્બર સુધી ચાલનારી આ પ્રક્રિયામાં બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને નોંધાયેલા મતદારોની હયાતી, દર્શાવેલા સરનામે રહે છે કે કેમ તેની ચકાસણી કરશે. જેમાં બે ઠેકાણે નોંધાયેલા મતદારોના નામ આપોઆપ રદ થશે. ગુજરાતમાં 5.08 કરોડ મતદારો છે. જે તમામની ચૂંટણી પંચે જાહેર કરેલા પુરાવાઓના આધારે મતદારોની ઓળખ કરાશે.
આ દરમિયાન રાજ્ય ચૂંટણી પંચ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર આ પ્રક્રિયાની અસરનો અભ્યાસ કરી રહ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. કુલ 15 મહાનગરપાલિકાઓ, 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
સૂત્રો મુજબ, રાજ્ય ચૂંટણી પંચ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલની મતદાર યાદીઓ મુજબ યોજવી કે SIR પછી ઉપલબ્ધ થનારી અંતિમ મતદાર યાદીઓ મુજબ યોજવી તે નક્કી કરશે. જો SIR પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવે, તો ચૂંટણી થોડા મહિનાઓ માટે મોકૂફ થઈ શકે છે, અને સ્થાનિક સંસ્થાઓનો કાર્યકાળ પૂરો થતો હોવાથી સરકારે વહીવટકર્તાની નિમણૂક કરવી પડી શકે છે. અન્ય રાજ્યોમાં રાજકીય પક્ષોએ નિર્ધારિત ચૂંટણીઓ SIR પૂર્ણ થયા પછી જ યોજવાની માંગ કરી છે.
રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી કૃષ્ણએ જણાવ્યું હતું કે, અમે SIRની અસરોનો અભ્યાસ શરૂ કરી દીધો છે. ચૂંટણી હાલની મતદાર યાદીઓ મુજબ યોજવી કે SIR પૂર્ણ થવાની રાહ જોવી, તે અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમણે કહ્યું કે જે સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણી નિર્ધારિત છે, તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2026 અથવા માર્ચના પહેલા સપ્તાહ સુધીમાં સમાપ્ત થશે.
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની આ ચૂંટણીમાં રાજ્યના લગભગ 80 ટકા લાયક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતના કુલ 5 કરોડ નોંધાયેલા મતદારોમાંથી, 4 કરોડથી વધુ મતદારો આગામી ચૂંટણીઓમાં મતદાન કરવા માટે લાયક ઠરશે.
આપણ વાંચો: વિકાસનો ‘સેટેલાઇટ’ બુસ્ટઃ ગુજરાતમાં મેગા સિટીનું ભારણ હળવું કરવા 5 નવા સેટેલાઇટ ટાઉનની યોજના
 


