અમદાવાદ

ગુજરાતમાં લોકોને ન્યાય મળવો વધુ મુશ્કેલ બન્યો; ન્યાય અપાવવાના મામલે 11મા ક્રમે સરકી ગયું

અમદાવાદ: સામાન્ય રીતે કોર્ટમાં ન્યાય મેળવાની પ્રકિયા ખુબ જ લાંબી અને મુશ્કેલ હોય છે. ગઈ કાલે મંગળવારે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR) જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બન્યું છે. એક સમયે ન્યાય આપવાના મામલે ટોચના ચાર રાજ્યોમાં સ્થાન મેળવનાર ગુજરાત, ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR) રેન્કિંગમાં 11મા ક્રમે સરકી ગયું છે.

અહેવાલ મુજબ રાજ્યના કોર્ટરૂમમાં સ્ટાફનો અભાવ, લીગલ એડનો ઓછો ઉપયોગ અને અનામત ક્વોટા પૂરા ન થવાના કારણે ગુજરાત રેન્કિંગમાં પાછળ ઠેલવાયું છે. કાનૂની સહાય (Legal Aid) પર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ ખર્ચ કરવા છતાં, ગુજરાતની સ્થિતિ બગડી છે.

અહેવાલ મુજબ ગુજરાત હાઈ કોર્ટમાં વધુ મહિલા ન્યાયાધીશો છે, પરંતુ નીચલી અદાલતો, લિગલ એઇડ એક્સેસ અને માનવ અધિકાર પંચના સ્ટાફમાં મહિલાઓની સંખ્યા ઓછી છે. ખાલી જગ્યાઓ અને ભંડોળના નબળા ઉપયોગને કારણે રાજ્યનો સ્કોર નીચે ગયો છે.

આ મુદ્દાને આધારે રીપોર્ટ તૈયાર કરાયો:
આ રીપોર્ટ ટાટા ટ્રસ્ટ્સ દ્વારા સરકારી ડેટાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે, છેલ્લા છ વર્ષમાં આ પ્રકારનો ચોથો અભ્યાસ છે. આ આભ્યાસમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને લીગલ એડ જેવા મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતાં. આ ઉપરાંત એ પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે ન્યાય પૂરો પાડવા રાજ્યો કેટલા પ્રયાસો કરે છે. ન્યાય અપાવવા માટે રાજ્ય માનવ અધિકાર કમિશન કેવી રીતે કાર્ય કરે છે, તે પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું.

ન્યાયાધીશોની ખાલી જગ્યા:
ન્યાયતંત્ર સેગમેન્ટમાં ગુજરાતના રેન્કિંગના સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. ન્યાયિક કામગીરી મામલે ગુજરાત 18 મધ્યમ અને મોટા રાજ્યોની યાદીમાં 14મા ક્રમે રહ્યું, વર્ષ 2022માં ગુજરાત આ યાદીમાં 9મા ક્રમે હતું. ગુજરાત હાઈકોર્ટમાં 38.5% ન્યાયાધીશોની જગ્યા ખાલી છે, જે દેશના અન્ય હાઈકોર્ટની સરખામણીએ સૌથી વધુ છે. હાઈકોર્ટ્સમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાની રાષ્ટ્રીય સરેરાશ 32.7% કરતા પણ ખરાબ છે.

ગુજરાતમાં નીચલી અદાલતોમાં પણ ન્યાયાધીશોની ખાલી જગ્યાઓ વધીને 31.1% થઈ ગઈ છે. તેનો અર્થ એ કે ગુજરાતમાં દર 61,795 લોકો માટે એક ગૌણ અદાલતના ન્યાયાધીશ છે, જે રાષ્ટ્રીય સરેરાશ 69,017 કરતા થોડું સારું પ્રદર્શન દર્શાવે છે, પરંતુ નીચલી અદાલતોમાં વધતી જતી ન્યાયધીશોની અછત ચિંતાનો વિષય છે.

તેવી જ રીતે, લિગલ એડ પૂરી પાડવાના મામલે રાજ્ય ત્રીજા ક્રમેથી 13મા ક્રમે આવી ગયું. લિગલ એડ પૂરી પાડવાના મામલે કર્ણાટક 18 રાજ્યોમાં ટોચ પર રહ્યું.

મહિલા ન્યાયાધીશોની નિમણૂક:
ગુજરાત હાઈકોર્ટમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યા વધુ છે-રાષ્ટ્રીય સરેરાશ 14% ની સરખામણીમાં ગુજરાતમાં આ આંકડો 25% નોંધાયો છે. જ્યારે ગુજરાતમાં ગૌણ ન્યાયતંત્રમાં માત્ર 20% મહિલા ન્યાયાધીશો છે, જે 34% રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી ઓછી છે.

આપણ વાંચો:  ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, અનુસૂચિત જાતિના યુવાનોને અગ્નિવીર માટે તાલીમ આપશે

અનામત ક્વોટાનો ઓછો ઉપયોગ:
રાજ્ય તેના અનામત ક્વોટાને પૂર્ણ કરવામાં પણ નિષ્ફળ ગયું છે. વર્ષ 2022 થી, ન્યાયતંત્રમાં અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી બેઠકોમાંથી માત્ર 2% બેઠકો ભરાઈ છે, જ્યારે અનુસૂચિત જાતિના પદો લગભગ 97% પર પૂર્ણ રીતે ભરાઈ ગયા છે. OBC પ્રતિનિધિત્વ પણ અપેક્ષાઓ કરતાં ઓછું રહ્યું છે.

ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચનો રેન્કિંગમાં પણ ખરાબ દેખાવ રહ્યો છે. ગુજરાત ભારતમાં 20મા ક્રમે રહ્યું. ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચમાં કુલ સ્ટાફની 52% જગ્યાઓ ખાલી હતી, એક્ઝિક્યુટિવ સ્ટાફની 25% અછત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button