
અમદાવાદઃ રાજ્યને મોટો ઝટકો લાગ્યો છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2025 દરમિયાન વિદેશી સીધા રોકણ (FDI)ના પ્રવાહમાં ગુજરાત ભારતનાં ટોપ-5 રાજ્યોની યાદીમાંથી બહાર ફેંકાયું છે. વાર્ષિક ધોરણે રોકાણમાં થયેલા તીવ્ર ઘટાડાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે, જ્યારે અન્ય હરીફ રાજ્યોએ નીચા બેઝ પર મજબૂત રિકવરી નોંધાવી છે. ટૂંકા ગાળાના આ ઘટાડા છતાં, ઓક્ટોબર 2019 થી અત્યાર સુધીના કુલ સંચિત FDI ઇનફ્લોમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે છે.
ગુજરાતમાં કેમ થયું બહાર
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં ગુજરાતે $2.39 અબજનું FDI આકર્ષ્યું હતું. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર ($13.5 અબજ), કર્ણાટક ($11.25 અબજ), તમિલનાડુ ($4.34 અબજ), દિલ્હી ($3.94 અબજ) અને હરિયાણા ($3.53 અબજ) કરતા પાછળ રહી ગયું છે. વિશ્લેષકો આ ઘટાડા પાછળ ‘હાઈ બેઝ ઈફેક્ટ’ અને સમયના ફેરફારને કારણભૂત માને છે, કારણ કે ગુજરાતે અગાઉના વર્ષોમાં ખાસ કરીને કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મજબૂત રોકાણ મેળવ્યું હતું.
મહારાષ્ટ્રમાં કેટલું એફડીઆઈ
મહારાષ્ટ્ર $13.51 અબજના રોકાણ સાથે ટોચના સ્થાને રહ્યું છે, જોકે તેની કામગીરી વાર્ષિક ધોરણે લગભગ સ્થિર રહી હતી અને 0.3% નો નજીવો ઘટાડો નોંધાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, યુએસ ટેરિફને કારણે ટેક્સટાઇલ અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોને અસર થઈ છે. તેથી આ ક્ષેત્રોમાં નવું રોકાણ આવ્યું નથી. બીજી તરફ, સેમિકન્ડક્ટર્સ અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોમાં રોકાણ પાઈપલાઈનમાં છે, પરંતુ તે હજુ નવા ઇનફ્લોમાં પરિવર્તિત થયું નથી. અગાઉ જાહેર કરાયેલા અનેક મોટા પ્રોજેક્ટ્સ હવે અમલીકરણના તબક્કામાં છે, જ્યાં મૂડી ખર્ચ થઈ રહ્યો છે પરંતુ તે FDIના આંકડામાં ઇક્વિટી તરીકે દેખાતો નથી.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ્સ માટે સક્રિય છે અને નવી તકો પણ ઉભી થઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા કાર્યક્રમો ગુજરાત સાથે જોડાયેલા હોવાથી હોસ્પિટાલિટી અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં રોકાણકારોની રુચિ વધી રહી છે. ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં અપાયેલી છૂટછાટ જેવી નીતિઓ પણ રોકાણ માટે નવી જગ્યા ઉભી કરી રહી છે.
ગુજરાતમાં FDI હજુ પણ કેટલાક જિલ્લાઓમાં જ કેન્દ્રિત છે, જેમાં અમદાવાદ રાજ્યનું રોકાણ કેન્દ્ર બનીને ઉભર્યું છે. રાજ્યના કુલ FDIમાં અમદાવાદનો મોટો હિસ્સો છે. વલસાડ, વડોદરા, સુરત અને કચ્છ જેવા ઔદ્યોગિક જિલ્લાઓ તેનાથી ઘણા પાછળ છે. રાષ્ટ્રીય સ્તરે પણ આવો જ ટ્રેન્ડ જોવા મળે છે, જ્યાં FDI મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા ટોચના બજારોની આસપાસ કેન્દ્રિત છે. લેટેસ્ટ ડેટા મુજબ, રોકાણનો પ્રવાહ હવે વધુ પસંદગીયુક્ત બની રહ્યો છે અને પ્રોજેક્ટ અમલીકરણ તબક્કાઓ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે.



