શકિતપીઠ Ambaji મંદિરથી ગબ્બર સુધી 1200 કરોડના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાશે

અમદાવાદ: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીના(Ambaji) વિકાસ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં સરકાર અંબાજી મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજીત રૂપિયા 1200 કરોડના ખર્ચે વિકાસ માટેનું આયોજન હાથ ધરશે. જેની માટે હાલમાં જ અંબાજી યાત્રાધામ ખાતે ટી.પી. સ્કીમ -1 અને 2 ની બહાર વિકાસ યોજનામાં આવેલ સરકારી જમીનના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યાં છે.
યાત્રાધામના વિકાસ માટે અત્યાર સુધીમાં બે ટીપી સ્કીમ અમલી
આ અંગે આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ માટે અત્યાર સુધીમાં બે ટીપી સ્કીમ અમલી કરાઇ છે.અંબાજી મંદિર અને તેની આજુબાજુના વિસ્તારની આશરે 6.07 હેકટરની નગર રચના યોજના નં. 1 (અંબાજી) વર્ષ -1983 થી અમલી છે.
નગર રચના યોજના નં. 1(અંબાજી) માં મુળખંડોની કિંમતની સામે ફાળવવામાં આવેલ અંતિમખંડોની કિંમતમાં આવતા તફાવત વળતર તરીકે આપવામાં આવ્યાં છે.
ટી.પી.-૧ ની લાગુમાં 2.87 હેકટરની નગર રચના યોજના નં. 2 (અંબાજી) બનાવવામાં આવી અને વર્ષ- 19997 થી ટી.પી. સ્કીમ નં.-2 અમલી છે. જેમાં કુલ 53 મુળખંડ(Original Plot) તથા 74 અંતિમખંડો (Final Plot)નો સમાવેશ થાય છે.
બિનઅધિકૃત બાંઘકામો કરવામાં આવ્યા હતા
ટી.પી. સ્કીમ – 1 તથા 2 ની બહાર “વિકાસ યોજના” માં આવેલ સરકારી જમીનમાં દબાણ અંગે વિગતો આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને 51 શકિતપીઠોને જોડતા શકિત કોરીડોરમાં આવતી મોજે અંબાજી રે.સ.નં. 8 પૈકી વાળી સરકારી જમીનમાં ખાનગી ઇસમો દ્વારા બિનઅધિકૃત બાંઘકામો કરવામાં આવ્યા હતા
આ જમીનમાંથી લેન્ડ રેવન્યૂ કોડ, 1879ની કલમ–61 હેઠળ પ્રાંત અધિકારી દાંતા ધ્વારા દબાણ દૂર કરાયા છે.આ જમીનમાં કુલ 79 દબાણો (કાચા-પાક્કા) દૂર કરવામાં આવ્યા છે.
આ બાબતે નામદાર હાઈકોર્ટ સમક્ષ ખાસ દિવાની અરજીથી દબાણો દૂર કરવાથી થયેલ અસરગ્રસ્તો ઘ્વારા દાવા દાખલ કરાયા જેના સંદર્ભે નામદાર હાઈકોર્ટ દ્વારા તા.29.01.2025 ના કોમન ઓરલ ઓર્ડરથી વાદીઓની દબાણ દૂર ના કરવાની માંગણી ગ્રાહ્ય રાખી નથી.
ગબ્બર ટેકરી પરના જ્યોત અને મંદિરના વિશા યંત્ર સરળ જોડાણ બનશે
મંત્રી ષિકેશ પટેલે, અંબાજી યાત્રાધામ ડેવલપમેન્ટ પ્રોજેકટ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંબાજી માતા મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજીત 1200 કરોડના પ્રોજેક્ટથી વિસ્તૃત વિકાસ કરવામાં આવનાર છે.
જેમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે બનાવેલ વિકાસ યોજના આધ્યાત્મિકતાને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડશે અને આસપાસના પર્યાવરણનું રક્ષણ પણ કરાશે. ગબ્બર ટેકરી પરના જ્યોત અને મંદિરના વિશા યંત્ર વચ્ચે એક સરળ જોડાણ બનશે.
સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરાશે
જ્યારે ચાચર ચોક અને ગબ્બર મંદિરનો વિકાસ અર્થે કલાત્મક શિલ્પ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લેથી સમૃદ્ધ સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરાશે. સાથોસાથ, સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો માટે સુવિધાઓ આપવામાં આવશે. મંદિર પરિસરથી ગબ્બર ટેકરી સુધીનો પગપાળા જનાર યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે અને તેમને આરામ કરવા માટેના સ્થળો સ્પષ્ટ સાઇનબોર્ડ સાથે પર્યાવરણને અનુકૂળ વોકવે બનાવવામાં આવશે.
આ પણ વાંચો…IND vs NZ: આટલા રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે!
ધાર્મિક વિધિઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકસાવવામાં આવશે
અંબાજીના દિવ્ય દર્શની ચોકના વિકાસના ભાગરૂપે સુંદર ડિઝાઇનના લોકોના આમોદ પ્રમોદ માટે જગ્યાનાં વિકાસ કરવામાં આવશે, જેમાં બેઠક વ્યવસ્થા, હરિયાળી અને માહિતી માટેના કિઓસ્ક હશે. તેમાં સ્થાનિક વિક્રેતાઓ માટે જગ્યાઓ પણ સુનિશ્ચિત કરાશે.સતી સરોવર અને સતી ઘાટને લેન્ડસ્કેપ બગીચાઓથી અને ધાર્મિક વિધિઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકસાવવામાં આવશે.