અમદાવાદ

ગુજરાતીઓ ગુલાબી ઠંડી માટે તરસ્યા, રાજ્યમાં સતત બીજા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં શીતલહેર ગાયબ

અમદાવાદઃ વાતાવરણમાં સતત થઈ રહેલા બદલાવના કારણે રાજ્યમાં હજુ કોલ્ડવેવની સ્થિતિ આવી હતી. ભારતીય હવામાન વિભાગના ડેટા અનુસાર, ગુજરાતમાં સતત બીજા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં કોઈ શીતલહેર જોવા મળી નથી. ઉપરાંત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધારે નોંધાયું છે.

મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી વધારે

અમદાવાદમાં, ડિસેમ્બરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15.4 સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતા 1.9 સેલ્સિયસ વધારે હતું. જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતા 0.6 સેલ્સિયસ વધુ હતું. શહેરમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન 12 ડિસેમ્બરે 13.1° સેલ્સિયસઅને સૌથી વધુ લઘુત્તમ તાપમાન 1 ડિસેમ્બરે 17.5° સેલ્સિયસ નોંધાયું હતું.

ગુજરાતના અન્ય મુખ્ય શહેરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. સુરત અને રાજકોટમાં સરેરાશ લઘુત્તમ તાપમાન પ્રમાણમાં ઊંચું રહ્યું હતું, જ્યારે વડોદરામાં તાપમાન સામાન્ય સ્તરે નોંધાયું હતું. ડિસેમ્બરમાં સુરતમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13.8° સેલ્સિયસ, વડોદરામાં 11.8 સેલ્સિયસ અને રાજકોટમાં 12 સેલ્સિયસ નોંધાયું હતું.

રાજ્યના સૌથી ઠંડા સ્થળોમાંના એક નલિયામાં, 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના 61 દિવસના સમયગાળામાં તાપમાન માત્ર પાંચ દિવસ માટે જ 10 સેલ્સિયસ કે તેથી નીચે ગયું હતું. ડિસેમ્બર એ ગુજરાત માટે સૌથી ઠંડો મહિનો માનવામાં આવે છે, તે જોતા આ સ્થિતિ અસામાન્ય ગણી શકાય.

IMD મુજબ, મેદાની વિસ્તારોમાં જ્યારે લઘુત્તમ તાપમાન 10 સેલ્સિયસ કે તેથી ઓછું હોય અને સામાન્ય લઘુત્તમ તાપમાન કરતા 4.5 સેલ્સિયસ થી 6.4 સેલ્સિયસ નીચું હોય ત્યારે તેને ‘શીતલહેર’ કહેવામાં આવે છે. જો તાપમાન સામાન્ય કરતા 6.4 સેલ્સિયસ થી વધુ ઘટે, તો તેને ‘તીવ્ર શીતલહેર’ તરીકે ઓળખવામાં આવે છે.

નવેમ્બર અને ડિસેમ્બરમાં સામાન્ય કરતા વધુ લઘુત્તમ તાપમાન કેમ નોંધાયું?

IMD ગુજરાતના ડાયરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે નવેમ્બર અને ડિસેમ્બરમાં સામાન્ય કરતા વધુ લઘુત્તમ તાપમાન રહેવાનું કારણ પવનની દિશા છે. તેમણે કહ્યું, રાજ્યમાં સામાન્ય રીતે ઉત્તરીય પવનો સાથે ઠંડી આવે છે. છેલ્લા બે મહિનામાં મોટે ભાગે પૂર્વીય થી ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાયા હતા. જોકે, તેમણે ઉમેર્યું કે આ ફેરફાર બહુ અસાધારણ નથી.

નવેમ્બરમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા સરેરાશ 0.6 સેલ્સિયસ વધુ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2 સેલ્સિયસ ઓછું નોંધાયું હતું. આ પેટર્ન બદલાતા હવામાન અને રાજ્યના કેટલાક ભાગોમાં થયેલા કમોસમી વરસાદને આભારી છે. મહિનાની શરૂઆતમાં શહેરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત 10 સેલ્સિયસ થી ઓછો હતો, અને 3 નવેમ્બરે લઘુત્તમ તાપમાનમાં 6.5 સેલ્સિયસ નો વધારો જોવા મળ્યો હતો, જેમાં લઘુત્તમ તાપમાન 25.5 સેલ્સિયસ નોંધાયું હતું.

આ પણ વાંચો…ગુજરાતમાં જોવા મળશે ઠંડીનો ચમકારો, ઠંડીમાં ઠુંઠવાયું ઉત્તર ભારત, જાણો મહારાષ્ટ્રનું હવામાન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button